આગામી લોકસભાની ચૂંટણી માટે પાલિકા તંત્ર તૈયારીમાં પડી ગયું છે તેના કારણે કોન્ટ્રાકટરો આરામ ફરમાવી રહ્યાં છે. વહીવટી તંત્રનું પૂરતું ધ્યાન ન હોવાથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે અને તેનો ભોગ પ્રજા બની રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને 60 દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધુળની ડમરી થી લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. આ અંગેની ફરિયાદ છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી ન કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા બજેટના કામો મંજૂર કરીને અનેક કામો ની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી હતી. પાલિકા તંત્ર વિકાસના કામોને વેગ આપી રહ્યાં છે પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી ની ફરિયાદ થઈ રહી છે. હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં પાલ પ્રથમ સર્કલથી ગેલેક્સી સર્કલ સુધી પાણીની લાઈન નાખવામાં આવી છે. આ પાણીની લાઈન નાંખ્યાને હાલ 60 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે.
કામગીરી થઈ ગઈ હોવાને 60 દિવસ ઉપરાંત નો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી કામગીરી બાદ માટી ઉઠાવવામા આવી નથી કે પાણીની લાઈન નાંખવામા આવી છે તેના પર મેટલ કે ગ્રાઉન્ટીંગ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિને કારણે હાલમાં ધુળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે આસપાસના લોકો સાથે સાથે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પુર્વ કોર્પોરેટર ઉષા પટેલે ફરિયાદ કરી ત્વરિત કામગીરી થાય તેવી માગણી કરી છે.