– કાર્ડ સ્કેનર, કોઇન મશીન અને 47 નંગ ધાર્મિક યંત્રના કાર્ડ કબ્જેઃ એચ.એસ. માર્કેટીંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગાર ક્લબ ચલાવતા ભાવનગરના ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા વોન્ટેડ
– યંત્ર ઉપર દાવ લગાવી જીતનારને નવ ગણા રૂપિયા આપવામાં આવતા હતાઃ રૂ. 15 હજારના માસિક પગારદાર પંકજ સોલંકી અને સુરેશ સોલંકી ક્લબનું હેન્ડલીંગ કરતા હતા
સુરત
કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં એચ.એસ. માર્કેટીંગ પ્રા. લિ. નામની ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમાડતી ક્લબ ઝડપી પાડી ક્લબનું હેન્ડલીંગ કરનાર બે અને યંત્ર ઉપર દાવ લગાવી નસીબ અજમાવવા આવનાર 22 જુગારી સહિત 24 ની ધરપકડ કરી રોકડ, કાર્ડ સ્કેનર, કોઇન મશીન તથા ધાર્મિક યંત્રના કાર્ડ સહિત કુલ 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં યંત્ર ઉપર દાવ લગાવી જીતનારને નવ ગણા રૂપિયા આપવામાં આવતા હતા અને ભાવનગરમાં બેઠા-બેઠા જુગાર ક્લબ ચલાવનાર બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એલ. પંડયા અને હે. કો. જયસુખ લાભાભાઇને બાતમી મળી હતી કે રચના સર્કલ નજીક ગાયત્રી સોસાયટીમાં એચ.એસ. માર્કેટીંગ પ્રા. લિ. નામની ઓફિસની આડમાં ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા યંત્ર આધારિત જુગાર રમાડે છે. જેને પગલે પોલીસ ટીમે ગાયત્રી સોસાયટીમાં બિલ્ડીંગ નં. 140 માં જય માતાજી કોલ્ડ્રીંકસની બાજુમાં નામ વગરની ઓફિસમાં દરોડા પાડયા હતા. દરોડાને પગલે નાસભાગ મચી ગઇ હતી જો કે પોલીસે પંકજ તખતસિંહ સોલંકી અને સુરેશ અજમલ સોલંકી (બંને રહે. બિલ્ડીંગ નં. 152, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા) સહિત 24 ને ઝડપી પાડયાહતા. પોલીસે પંકજ અને સુરેશની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે ભાવનગરના રહેવાસી ભાવિન ઓધવજી મોજીદ્રા અને વિજય છગન ગોલાણીયા ભાડાની ઓફિસમાં યંત્ર આધારિત જુગાર રમાડે છે. ઉપરાંત પોતે રૂ. 15 હજારના માસિક પગારથી સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી નોકરી કરે છે અને આવનાર ગ્રાહક યંત્ર ઉપર રૂ. 11, 22, 33, 44 અને 55 થી લઇ રૂ. 500 સુધી લગાડીને પોતાનું નસીબ અજમાવતા હતા. જે ગ્રાહકે જે યંત્ર લગાડેલ હોય તે યંત્ર વિજેતા થાય તો રૂ. 11 ની સામે નવ ગણા એટલે કે રૂ. 100 તુરંત જ રોકડા આપવામાં આવતા હતા. પોલીસે પંકજ અને સુરેશ સહિત 24 ની જુગારધારા હેઠળ ધરપકડ કરી ઓફિસમાંથી રોકડા રૂ. 80,552, યંત્રના મશીન, કોમ્પ્યુટર, કાર્ડ સ્કેનર, કોઇન મશીન, 21 નંગ મોબાઇલ ફોન, 47 નંગ અલગ-અલગ ધાર્મિક યંત્રના કાર્ડ, 61 નંગ ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ લીધો હતો.
યંત્ર ઉપર દાવ, સ્કેનરથી નોંધણી અને મશીનથી સિલેક્શન, વિજેતાને 9 ગણા ચુકવતા હતા
ધાર્મિક યંત્ર આધારિત જુગાર રમાડવાના નવા કિમીયા અંગે પોલીસે પંકજ સોલંકી અને સુરેશ સોલંકીની પૂછપરછ કરી હતી. બંનેએ જણાવ્યું હતું કે ગ્રાહકે યંત્ર પસંદ કરવાનું હોય છે અને યંત્ર પસંદ કર્યા પછી રૂ. 11 લગાવે તો શ્રી યંત્રના ચિત્ર ઉપર 1 લખી તેમની પાસે રહેલો કાર્ડ સ્કેન કરી ગ્રાહકને આપી દેતા હતા. દર પાંચ મિનીટ પછી મશીનથી કોઇ એક યંત્ર સિલેક્ટ કરવામાં આવે છે. સિલેક્ટ થયેલા યંત્ર ઉપર નસીબ અજમાવનાર વિજેતા થાય છે અને તેને લગાવેલી રકમના 9 ગણા રોકડા રૂપિયા આપવામાં આવતા હતા. જયારે હારી જનાર પાસેથી યંત્ર પરત લઇ લેવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી આ જ રીતે જુગાર રમાડતા હતા.
જુગારના કાર્ડ તરીકે 14 યંત્રનો ઉપયોગ, યંત્રનું ઓનલાઇન વેચાણ કાયદેસરની નોંધ પણ ચોંટાડી હતી
એચ. એસ. ઓનલાઇન માર્કેટિંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાનેટ લખેલા કુલ 14 પ્રકારના કાર્ડ મળ્યા હતા. જેમાં વાસ્તુ 4 નંગ યંત્ર-મલસ્યા યંત્ર, 3 વાસ્તુ યંત્ર, 2 પ્લેનેટ યંત્ર, 3 કુબેર યંત્ર, 1 લવ યંત્ર, 1 સુદર્શન યંત્ર અને 33 નંગ સ્માર્ટ કાર્ડ જેમાં 5 કુબેર યંત્ર, 8 મત્સ્યા યંત્ર, 4 વાત્સુ યંત્ર, 3 શ્રી યંત્ર, 4 મેડિટેશન યંત્ર, 2 ગ્રૃહ યંત્ર, 2 તારા યંત્ર, 2 પ્લેનેટ યંત્ર, 2 વશીકરણ યંત્ર, 2 ધનુ રાશીના યંત્ર હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાત હાઇકોર્ટએ એચ.એસ. ઓનલાઇન માર્કેટીંગની સિવિલ એપ્લિકેશનમાં ઓનલાઇન યંત્રનું વેચાણને કાયદેસર ગણાવ્યો છે અને આ હુકમ મુજબ જુગાર ધારાની કોઇ કાર્યવાહી કરવી નહી.
જુગાર રમતા પકડાયેલા રત્નકલાકારો
હરેશભાઈ ડાહ્યાભાઈ ભાલીયા (રહે. રામરાજ્ય સોસાયટી, કાપોદ્રા), કિશન ખોડૂભાઈ ખટાણા (રહે. ગાયત્રી સોસાયટી, કાપોદ્રા), ચેતન અરજણ ઢોલા (રહે. રઘુનંદન સોસાયટી, ગોડાદરા), રવિન્દર ઉર્ફે સોનુ દેવીદાસ જાદવ અને રોહિત બાબુભાઇ વાઘેલા (બંને રહે. ગાયત્રીનગર સોસાયટી, કાપોદ્રા), ભુપત ઉકાભાઈ મકવાણા (રહે. શ્રીનાથજી કોમ્પ્લેક્ષ, વરાછા), પ્રવિણ ધીરૂભાઇ ઢળેચા (રહે. ખોડિયાર એપાર્ટમેન્ટ, વરાછા), સંજય અરજણ નંદાણીયા (રહે. શિવમનગર, નવાગામ-કામરેજ), અશોક રામજી પથ્થર (રહે. વિઠ્ઠલનગર સોસાયટી, કાપોદ્રા), ઘનશ્યામ મનજી રાઠોડ (રહે. સીતાનગર સોસાયટી, પુણા), નિલેશ દુલાભાઈ પીપળોતર (રહે. નિલકંઠ સોસાયટી, કાપોદ્રા), નિર્મળસિંહ કાળુભાઈ ગોહીલ (રહે. શ્રીનાથજી કોમ્પ્લેક્ષ, માતાવાડી, વરાછા), મનોજ પ્રતાપ પરમાર (રહે. તપોવન એપાર્ટમેન્ટ, છપરાભાઠા રોડ, અમરોલી), મુકેશ સોમાભાઇ દાફડા (રહે. શક્તિ વિજય સોસાયટી, નાના વરાછા), ગુણવંત સોમા ચૌહાણ (રહે. ભગીરથ સોસાયટી, વરાછા), વિઠ્ઠલ ભવાન આહીર (રહે.મુક્તિધામ સોસાયટી, પુણાગામ), અશ્વિન ભગવાન બારૈયા (રહે. હરિધામ સોસાયટી, પુણા), સુનિલ વિનુ સોંડરવા (રહે. રવિપાર્ક સોસાયટી, કાપોદ્રા), અતુલ ખોડા દાળાવડીયા (રહે. ગોકુલનગર સોસાયટી, કાપોદ્રા), નિતીન તેજાભાઈ બોળીયા (રહે. ગોપાલ એપાર્ટમેન્ટ, કાપોદ્રા) ભાવેશ બાબુભાઈ કલસરીયા (રહે. હરિધામ સોસાયટી, પુણા) અને ગંભીર નગાભાઈ ચાવડા (રહે. નિલકંઠ સોસાયટી, કાપોદ્રા)