Image:IANS
RR vs RCB : IPL 2024ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી હતી. આ મેચમાં દર્શકોને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. આ મેચમાં પ્રથમ વિરાટ કોહલીએ સદી ફટકારી અને ત્યારબાદ રાજસ્થાન તરફથી જોસ બટલરે શાનદાર સદી ફટકારી હતી. બટલરની સદીના કારણે RRએ આ મેચ RCB પાસેથી છીનવી લીધી હતી. આ એક એવી મેચ પણ બની જ્યાં એક સાથે અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા પણ હતા.
IPLમાં RR માટે સૌથી વધુ રન
IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને સૌથી વધુ રન બનાવ્યા છે. પરંતુ હવે જોસ બટલર આ યાદીમાં બીજા નંબર પર આવી ગયો છે. સંજુ સેમસને અત્યાર સુધી RR માટે 128 મેચમાં 3389 રન બનાવ્યા છે. જ્યારે જોસ બટલરે IPLમાં કુલ 100 મેચ રમી છે, જેમાં તેણે RR માટે 76 મેચોમાં 2831 રન બનાવ્યા છે.
100મી મેચમાં સદી ફટકારનાર બીજો બેટર
જોસ બટલરે તેના IPL કરિયરમાં અત્યાર સુધી 100 મેચ રમી છે. બટલરે પોતાની 100મી મેચમાં સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બટલર પોતાની 100મી મેચમાં સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ કારનામું કે.એલ રાહુલે કર્યું હતું.
વિરાટ કોહલી સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બન્યો
વિરાટ કોહલીએ IPLમાં એક ખાસ રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધો છે. તે IPLમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બની ગયો છે. તેણે સુરેશ રૈનાનો 109 કેચ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. હવે વિરાટના નામે 110 કેચ છે.
IPLની સૌથી ધીમી સદી
RR અને RCB વચ્ચેની મેચમાં વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. તેણે સંયુક્ત રીતે IPLના ઈતિહાસમાં સૌથી ધીમી સદી ફટકારી છે. વિરાટે આ સદી 67 બોલમાં ફટકારી હતી. આ પહેલા મનીષ પાંડેએ પણ 67 બોલમાં સદી ફટકારી હતી.
સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
વિરાટ કોહલીએ IPLમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સદી ફટકારી છે. તેણે RR સામે તેની 8મી સદી ફટકારી હતી. હવે ક્રિસ ગેલ 6 સદી સાથે બીજા સ્થાને છે જ્યારે જોસ બટલર 6 સદી સાથે ત્રીજા સ્થાને છે.
એક મેચમાં બે સદી
RR અને RCB વચ્ચે રમાયેલી આ મેચ એ યાદીમાં સામેલ થઇ ગઈ છે જેમાં એક મેચમાં બે સદી ફટકારવામાં આવી છે. આ મેચમાં વિરાટ કોહલી અને જોસ બટલરે સદી ફટકારી હતી.