Image:Social Media
Sourav Chauhan : રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની ચોથી મેચમાં જીત નોંધાવી હતી. IPLની 17મી સિઝનમાં સંજુ સેમસનની ટીમનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. 19મી મેચમાં RCBએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 5 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં એક યુવા ખેલાડીએ RCB માટે ડેબ્યુ કર્યું હતું. તે પોતાની પ્રથમ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. જો કે તેના 150ના સ્ટ્રાઈક રેટે બધાને પ્રભાવિત કર્યા હતા.
ફાફ ડુ પ્લેસિસે કર્યા વખાણ
RCB માટે સૌરવ ચૌહાણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેણે રાજસ્થાન સામે 6 બોલમાં 9 રન બનાવ્યા હતા. તે 18મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલના બીજા બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. આ નાની ઇનિંગ્સમાં સૌરવે એક છગ્ગો ફટકાર્યો હતો. સૌરવના ડેબ્યુ પર ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે કહ્યું, “ઘણા લોકો તેને ઓળખતા નથી. તેની પાસે બેટિંગમાં ઘણી કુશળતા અને તાકાત છે, તે એક સારો અને શાંત ખેલાડી લાગે છે.”
અમદાવાદમાં થયું જન્મ
સૌરવનો જન્મ 27 મે 2000ના રોજ અમદાવાદમાં થયો હતો. 21 વર્ષની ઉંમરે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું. તેના પિતા દિલીપ ચૌહાણ ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરે છે. સૌરવ તેના કરિયરમાં અત્યાર સુધી 6 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. જેમાં તેણે 225 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 13 લિસ્ટ-A મેચમાં તેણે બે સદીની મદદથી 476 રન બનાવ્યા છે. આ સિવાય સૌરવના નામે 20 T20 મેચમાં 473 રન છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રનનો છે.
ડેબ્યુ પર શું કહ્યું સૌરવ ચૌહાણે
સૌરવ ચૌહાણે તેના ડેબ્યુ પર કહ્યું, “મેં આ વર્ષે બે સિલેકશન કેમ્પમાં ભાગ લીધો હતો. એક દિલ્હીનો હતો અને બીજો RCBનો હતો. હું ખુશ છું કે હું RCB માટે પસંગ કરવામાં આવ્યો છું. હું મારી સફળતાનો શ્રેય મારા કોચ તારક ત્રિવેદી, મારા માતા-પિતાને આપું છું. અને હું તેને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને સમર્પિત કરવા માંગુ છું જેણે મને ઘણી મદદ કરી.”
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હલચલ મચાવી
સૌરવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હલચલ મચાવી હતી. તેણે આંધ્રપ્રદેશ સામે 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેનો આ રેકોર્ડ અભિષેક શર્માએ તોડ્યો હતો. અભિષેકે 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. RCBએ 23 વર્ષીય સૌરવને ઓક્શન દરમિયાન 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝે ખરીદ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરવનો સ્ટ્રાઈક રેટ ચર્ચામાં હતો. 10થી વધુ બોલ રમ્યા બાદ તેનો સ્ટ્રાઈક રેટ 338.88 હતો. તેણે રાજસ્થાનના મનજીત સિંહને પાછળ છોડી દીધો જેણે અગાઉ આ રેકોર્ડ બનાવ્યો હતો.