અમદાવાદ,શુક્રવાર,5 એપ્રિલ,2024
લોસભાની યોજાનારી ચૂંટણી સંદર્ભમાં હાલ આચાર સંહિતાનો અમલ
ચાલી રહયો છે.દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટિઓની બેઠક નહીં
મળવાથી કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે.કમિટિની મિટીંગ દીઠ કોર્પોરેટરને
રુપિયા પાંચસો ભથ્થુ મળતુ હતુ એ બંધ થઈ ગયુ છે.ઉપરાંત કોર્પોરેટરોને તેમના
વોર્ડમાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં જોતરી દેવાતા નારાજગી જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિ સહિત
વિવિધ તેર કમિટિની રચના કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટિની બેઠક દર અઠવાડિયે
બોલાવવામાં આવે છે.જયારે અન્ય કમિટિની બેઠક મહિનામાં બે વખત બોલાવવામાં આવતી હોય
છે.લોકસભાની ચૂંટણી જાહેર થયાના પંદર દિવસ બાદ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક
બોલાવવામા આવી હતી. આચાર સંહિતાના અમલને કારણે નિતિ વિષયક દરખાસ્ત વિવિધ કમિટિમાં
મુકી શકાય નહીં.પરંતુ જાણમા લેવાના કામ અંતર્ગત કમિટિની બેઠક બોલાવી શકાય.જે
કોર્પોરેટરો વિવિધ કમિટિમાં છે.તેમને આચાર
સંહિતાના અમલને લઈ કમિટિની બેઠક નહીં બોલાવવા સામે નારાજગી જોવા મળી છે.કમિટિની
બેઠક બોલાવવી જોઈએ એવો મોટાભાગના કોર્પોરેટરોનો સૂર હોવાનુ જાણવા મળ્યુ છે.કોર્પોરેટરોને
તો કમિટિની બેઠકમાં હાજર રહેવા કોર્પોરેટર દીઠ મળતુ રુપિયા પાંચસોનું ભથ્થુ મળે એ
બાબતમાં રસ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.હાલમાં વિવિધ કમિટિમાં સભ્ય
હોય એવા અને સભ્ય ના હોય તેવા તમામ કોર્પોરેટરોને રોજ સવારથી મોડી રાત સુધી લોકસભા
ચૂંટણી સંદર્ભમાં પોતાના પક્ષના ઉમેદવારના પ્રચારમાં સતત લોકો વચ્ચે જવુ પડે છે એ
બાબતની પણ નારાજગી જોવા મળી રહી છે.