ન્યૂયોર્ક,૧૬ મે,૨૦૨૪,ગુરુવાર 

અમેરિકામાં બર્ડ ફલુનું સંકટ ઉભરી રહયું હોવાની સાથે ગાયના કાચા દૂધ (રો કાઉ મિલ્ક)ની માંગમાં ઉછાળો આવતા હેલ્થ નિષ્ણાતો વિચારમાં પડી ગયા છે. ડેઇલી મેલના અહેવાલ અનુસાર અમેરિકામાં બર્ડ ફલુના ફેલાતા સંક્રમણથી લોકો ગભરાઇ ગયા હોવાથી ઘરગથ્થુ નુસખા અપનાવવા લાગ્યા છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કેટલાક ઇન્ફલૂઅન્સરે વીડિયો શેર કરીને ગાયના દૂધના વખાણ કરતા લોકો રો મિલ્ક ખરીદવા લાગ્યા છે.

વિલિયમ ટ્રેબિંગે લખ્યું હતું કે ગાયનું કાચું દૂધ બર્ડ ફલુ સંક્રમણ રોકવા અકસિર છે. ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને પોષણથી ભરપૂર હોય છે. ગાયના કાચા દૂધ અને બર્ડ ફલૂ અંગેના વીડિયો અને ટેકસ્ટ મેસેજની ભરમાર શરુ થતા ગાયના કાચા દૂધની ડિમાંડ વધી ગઇ હતી.

કેટલાક સ્થળોએ સ્ટોક ખાલી જોવા મળતો હતો. કેલિફોર્નિયાની એક ફર્મેે લોકો ગાયના કાચા દૂધની ડિમાંડ કરી રહયા હોવાની વાતને પુષ્ટી આપી હતી. કેટલના રો મિલ્કમાં બર્ડ ફલૂનો વાયરસ હોયતો તે વેકસિન જેવું કામ કરે છે એવું લોકો માનવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચના રોજ ગાયના દૂધમાંથી ફલૂ વાયરસની પ્રથમવાર હાજરી ધ્યાનમાં આવી હતી.

પરીસ્થિતિની ગંભીરતાને પાંમીને અમેરિકાની મુખ્ય આરોગ્ય એજન્સી સીડીસી (center for disease control and prevention) એ નિવેદન બહાર પાડીને ગાયના દૂધથી બર્ડ ફલુ મટતો હોવાની વાતનું ખંડન કરવાની ફરજ પડી છે. સીડીસીએ કાચા દૂધનું સેવન કરવાના સ્થાને પેસ્ચ્યુરાઇઝ દૂધનો ઉપયોગ કરવાનું સૂચન કર્યુ છે. દૂધને ખૂબ ગરમ કરીને પછી ઠંડુ પાડવામાં આવતું હોવાથી બેકટેરિયાનો નાશ થાય છે આથી પેસ્ચ્યુરાઇઝ દૂધ પીવું જ હિતાવહ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *