Surat Fire Brigade Control Room : સોમવારે રાત્રીના સુરત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને મીની વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ થયા બાદ સુરત પાલિકાના ફાયર વિભાગને તાકીદ કરવામાં આવ્યું છે. સુરત પાલિકાના ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશન પર વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે એક-એક ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સુરત પાલિકાએ કંટ્રોલ રૂમ શરુ કરીને ભારે પવનના કારણે શહેર પર જે અસર છે તેના પર નજર રાખવા સાથે સ્થિતિને પહોંચીળવા માટે કામગીરી શરુ કરી છે.
સોમવારે રાત્રે સુરતમાં આવેલા ભારે પવન અને વંટોળના કારણે નાના બેનર અને કેટલાક હોર્ડિગ્સ સાથે મંડપ પણ ઉડી ગયા હતા. ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કોલ પણ પાલિકાને મળ્યા હતા. પાલિકાના ફાયર વિભાગે વૃક્ષો પડવાના કોલ મળતા જ કામગીરી હાથ ધરી હતી. જોકે, હજી પણ 17 મે સુધી ભારે પવનની આગાહી છે તેના કારણે સુરત પાલિકાના ફાયર વિભાગને સજ્જ કરી દેવામાં આવ્યો છે.
સોમવારે રાત્રે જ ભારે પવન સાથે વૃક્ષ પડવા સાથે અન્ય કોલ મળતાં પાલિકાએ તાકીદે કંટ્રોલ રૂમ શરુ કરી દીધો છે અને આ કંટ્રોલ રૂમ ભારે પવનની આગાહી છે ત્યાં સુધી કાર્યરત રહેશે. પાલિકાએ કંટ્રોલ રૂમ શરુ કર્યા બાદ આફતના સમયે સુરતની પ્રજાને પડખે હંમેશા ઉભા રહેતા ફાયર વિભાગને પણ સજ્જ કરી દીધો છે. સુરત પાલિકાના ફાયર વિભાગે શહેરના તમામ ફાયર સ્ટેશન પર આ કામગીરી માટે એક ટીમ સ્ટેન્ડ બાય કરી દીધી છે. આ ઉપરાંત 17મી મે સુધી કોઈ ખાસ કારણ સિવાય કર્મચારીઓની રજા પણ રદ્દ કરી દીધી છે.