Surat News : સુરત પાલિકાના વરાછા બી ઝોન (સરથાણા)માં આજે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન ટીપી રોડ પર એક સોસાયટીનો બનેલો ગેટ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોએ પાલિકાના સ્ટાફ સાથે ઘર્ષણ કર્યું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, આસપાસ અનેક ગેરકાયદે બાંધકામ છે તેનું ડિમોલીશન થતું નથી અને અમારા ગેટનું ડિમોલીશન થાય છે. તો બીજી તરફ પાલિકાએ કહ્યું છે કે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી થઈ રહી છે હવે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરીશું.
સુરત પાલિકા વિસ્તારમાં ટીપી સ્કીમની કામગીરી ઝડપથી થઈ રહી છે અને ટીપી સ્કીમની કામગીરી અંતર્ગત પાલિકાએ ટીપી રોડ ખુલ્લો કરવા તથા પાલિકાના પ્લોટના કબ્જા લેવાની કામગીરી સઘન બનાવી છે. આજે સુરત કામરેજ મુખ્ય રોડ પર ટીપી સ્કીમ નંબર 22માં ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી વરાછા બી ઝોન દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આર્શીવાદ સોસાયટી આગળ બે ફાઈનલ પ્લોટ છે અને સોસાયટીની વચ્ચેથી ટીપી રોડ પસાર થાય છે.
આ ટીપી રોડ પર સોસાયટી દ્વારા ગેટ બનાવી દેવામાં આવ્યો છે ટીપી રોડ પર આ ગેટ અડચણરુપ હોય ગેટ દુર કરવાની કામગીરી ઝોન દ્વારા શરુ કરવામાં આવી હતી. જોકે, પાલિકાએ કામગીરી શરુ કરતાં સોસાયટીના લોકો ભેગા થયા હતા અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો. પાલિકા તંત્ર જણાવી રહી છે કે, આ ગેટ ટીપી રોડ પર છે તેથી તેને દુર કરવામાં આવશે. હાલમાં લોકોએ ઘર્ષણ ઉભુ કર્યું છે તેથી આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ટીપી રોડ ખુલ્લો કરવામાં આવશે