ગોંડલ-અનિડા ભાલોડી રોડ પર વિચિત્ર અકસ્માત

ગોંડલનો યુવાન અનિડા ભાલોડી ખાતે નોકરી કરી પરત ફરતો હતો ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવ્યો ઃ કાર રેઢી મૂકી ચાલક ફરાર

ગોંડલ: ગોંડલ  અનિડા ભાલોડી રોડ પર અકસ્માત ની વિચિત્ર ઘટના બની હતી જેમાં રોડ પર પસાર  થઈ રહેલી  ઈકો કારનો બાટલા ફાટતા પાછળ બાઈક પર આવી રહેલો યુવાન ભળભળ સળગવા લાગ્યો હતો. ગંભીર હાલત માં યુવાન ને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન  મોત નિપજતાં ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલી શિવમ પાર્ક રેસીડેન્સીમાં રહેતો કિશન અશ્વિનભાઈ અગ્રાવત નામનો યુવાન પોતાનું કામ પુરૂ કરી અનિડા ભાલોડીથી પોતાના ઘરે ગોંડલ જઈ રહ્યો હતો ત્યારે તેમના બાઈકની આગળ જઈ રહેલી ઈકો કારમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. જેથી કિશન આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેમને સારવાર માટે રાજકોટખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. કિશનના પિતા હયાત નથી અને પોતે બે ભાઈમાં નાનો હતો તેમજ ધોરણ ૧૨ પુરૂ કરી પોતે આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો તેમજ પોતે અનિડા ભાલોડી ખાતે નોકરી કરતો હતો. જ્યારે નોકરી પરથી પરત ફરતો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. બનાવ બાદ ઈકો કારનો ચાલક પણ કાર રેઢી મુકી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ઈકોના નંબર પરથી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *