એક આરોપીની ધરપકડ, બે આરોપીની શોધખોળ
ડરી ગયેલી તરૂણીએ ફીનાઇલ પી લેતાં મામલો ખૂલ્યો, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો
રાજકોટ: પડધરી પંથકમાં રહેતી તરૂણીને બ્લેકમેઇલ કરી ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યોનો ચોંકાવનારો બનાવ જાહેર થયો છે. પડધરી પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી અજયસિંહ રણજીતસિંહ જાડેજાને ઝડપી લઇ તેના ભાઇ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરી છે.
ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પુત્રીએ ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડી હતી. ગઇકાલે રાત્રે તેની પુત્રી સ્વસ્થ થતાં ફીનાઇલ પીવાનુ ંકારણ પૂછતા કહ્યું કે છએક માસ પહેલા મહેન્દ્રસિંહે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં કોઇને આ વાતની જાણ કરીશ તો બદનામી કરીશ તેવી ધમકી આપતાં કોઇને વાત કરી ન હતી.
ત્યારબાદ મહેન્દ્રસિંહના ભાઈ અજયસિંહે પણ બ્લેકમેઇલીંગ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. થોડા દિવસો બાદ યશપાલસિંહે પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથોસાથ આ વાત કોઇને જણાવીશ તો બદનામી કરીશ તેવી ધમકી આપતા અત્યાર સુધી કોઇને વાત કરી ન હતી. આરોપીઓએ એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારતા પીડા થતી હતી. જેને કારણે ખુબ જ ડરી જતાં, ફીનાઇલ પી લીધું હતું.
પડધરીના પીએસઆઈ જી.જે. ઝાલા અને રાઇટર યુવરાજસિંહ ગોહીલે ગુનો દાખલ કરી આરોપી અજયસિંહની ધરપકડ કરી છે. બાકીના બંને આરોપીઓ ભાગી જતા શોધખોળ હાથ ધરી છે.