મોરબી ઉપરાંત વાંકાનેર, રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ દોડાવાઈ
આગે બાજુમાં આવેલી ફેક્ટરીને પણ ઝપટમાં લીધી ઃ બુધવારને લીધે ફેક્ટરી બંધ હોવાથી જાનહાની ટળી
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામ નજીક આળેલ પ્લાસ્ટિક ફેકટરીમાં વિકરાળ આગ લાગી હતી. આગને પગલે મોરબીથી ફાયર બ્રિગેડની બે ટીમો દોડી ગઈ હતી. તે ઉપરાંત વાંકાનેર અને રાજકોટની ફાયર બ્રિગેડ ટીમની મદદ માંગવામાં આવી હતી. આગે બાજુમાં આવેલી ફેકટરીને પણ ઝપેટમાં લીધી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રફાળેશ્વર પાસે આવેલ વિનાયક કોર્પોરેશન નામનાં પ્લાસ્ટીકના કારખાનામાં આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં આગ લાગી હતી. પ્લાસ્ટિક કારખાનામાં કોઈ કારણોસર આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની બે ટીમો દોડી ગઈ હતી. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગ વધુ ભીષણ બની ગઈ હોવાથી વાંકાનેર ફાયર બ્રિગેડ ટીમને કોલ કરીને બોલાવી લેવામાં આવી છે. તેમજ રાજકોટની ટીમની મદદ માંગી હતી. જેથી સાંજ સુધીમાં રાજકોટથી ફાયર બ્રિગેડ ટીમ આવી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ વોટર બોલ સહિતના આધુનિક સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. ફેકટરીમાં આગ વધુ ફાટી નીકળતા બાજુમાં આવેલ ફેકટરીમાં પણ આગ પ્રસરી હતી. જેથી રાજકોટ ટીમની મદદ માંગવામાં આવી હતી.
જે આગના બનાવ અંગે મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગ વધુ ફેલાઈ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી છે. હાલ મોરબીની ૨ વાંકાનેરની ૧ ટીમ ઘટનાસ્થળે છે. તેમજ રાજકોટની ટીમને કોલ કર્યો છે. બુધવારે કારખાનું બંધ હોવાથી જાનહાની થવા પામી નથી. આગ પર કાબુ મેળવતા કલાકોનો સમય નીકળી જશે. તેમ જણાવ્યું હતું.
મોરબી સિરામિક એસોનાં પૂર્વ પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં અનેક ઉદ્યોગ આવેલ હોય જેથી સામાકાંઠે ફાયરની સુવિધા આપવા માંગ હતી. જેના માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેથી તાત્કાલિક ફાયર સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉદ્યોદરારો કરી રહ્યાં છે.