Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી ટાણે જ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભાજપ પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન છે. પરશોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો તેમણે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો અને માફી પણ માગી હતી પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યો છે. આજે રાજકોટમાં આ મામલે રજપૂત સમાજ સંકલન સમિતિતની બેઠક યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં ગરાસિયા બોર્ડિંગ ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે આ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજ આગેવાન કરણસિંહ ચાવડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આજની બેઠક પાર્ટ-1 બેઠક હતી. હવે આવતીકાલે એટલે કે રવિવારે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને અન્ય તમામ વર્ગો સાથે સંમેલન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં જણવાતા તેમણે તમામ સમાજોને મોટી સંખ્યમાં આ સંમેલનમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
દરેક જિલ્લામાં અમારા સંમેલન થશે: ક્ષત્રિય સમાજ અગ્રણી
આ ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું હતું કે રૂલાલાની ઉમેદવારી રદ કરવા તમામ તાલુકામાં આવેદન પત્ર અપાયા છે અને ગુજરાતના દરેક જિલ્લામાં અમારા સંમેલન થશે તેવી કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ રાજ્યમાં અનેક જગ્યાએ બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત રાજકોટમાં ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે અન્નત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે.