Image Source: Freepik

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં અજાણ્યા લોકોએ અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઈન કેએફસીની એક રેસ્ટોરન્ટને આગના હવાલે કરી દીધી હતી.

લોકોના ટોળાએ ગઈકાલે રાતે તેના પર હલ્લો બોલાવ્યો હતો. ભીડને શંકા હતી કે અહીંયા ઈઝરાયેલી પ્રોડક્ટસ વેચવામાં આવી રહી છે અને તેના પગલે ભીડે રેસ્ટોરન્ટ પર પથ્થમારો કર્યો હતો અને તેમાં આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ટોળાની પોલીસ સાથે પણ અથડામણ થઈ હતી.

ટોળાએ હુમલો કરતી વખતે પેલેસ્ટાઈનના સમર્થનમાં અને ઈઝરાયેલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસને ટોળાને વીખેરવા માટે ફાયરિંગ કરવુ પડ્યુ હતુ અને તેમાં ઘણા દેખાવકારો ઘાયલ થયા હતા. જેના કારણે મામલો વધારે બીચકયો હતો. ટોળાએ કેટલાક વાહનો અને દુકાનોને પણ આગ ચાંપી હતી.

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં કેટલાક જૂથો બોયકોટ ઈઝરાયેલનુ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમણે કેએફસીની રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવી હતી. પોલીસે હિંસક બનેલા 50 લોકોની ધરપકડ કરી હતી અને ટોળાને વીખેરવા માટે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા.

ટોળાએ મચાવેલા ઉત્પાતના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આ  ઘટનાને લઈને કેટલાક લોકો હિંસા આચરનાર ટોળાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ રીતે થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

જોકે આ મામલામાં પોલીસ અથવા તો રેસ્ટોરન્ટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.પોલીસ હિંસામાં સામેલ બીજા લોકોને પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *