Image:IANS
Mohammad Kaif On Pat Cummins : IPL 2024માં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં કંઈક એવું બન્યું જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચેન્નઈની ઈનિંગની 19મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા થ્રો અને વિકેટ વચ્ચે આવ્યો હતો. બોલ તેના શરીર પર વાગ્યો અને તેના કારણે તે રનઆઉટ થતા બચી ગયો હતો. ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ મુજબ રવિન્દ્ર જાડેજાને આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે અપીલ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ એક એંગલ એવો પણ છે કે તેણે પોતાના ફાયદા માટે જાડેજાને બચાવ્યો હતો.
ધોનીને બહાર રાખવા માટે લીધો હતો આ નિર્ણય?
રવિન્દ્ર જાડેજા ડેથ ઓવરોમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જ્યારે તેની સામે અપીલ કરવામાં આવી ત્યારે જાડેજા 20 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો હતો. જો કોઈ બેટર 14મી ઓવરમાં આવે અને 19મી ઓવર સુધી ક્રિઝ પર હોય છે, તો તેની પાસેથી ઝડપી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જાડેજા એક છગ્ગો કે ચોગ્ગો પણ ફટકારી શક્યો ન હતો. આવી સ્થિતિમાં જ્યારે પેટ કમિન્સે અપીલ પાછી ખેંચી ત્યારે જાડેજા ક્રિઝ પર જ રહ્યો હતો. જો જાડેજા સામે અપીલ કરવામાં આવી હોત અને તેને આઉટ આપવામાં આવ્યો હોત તો તેના પછી ધોની મેદાન પર આવ્યો હોત. છેલ્લી મેચમાં ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લી ઓવરમાં 20 રન બનાવ્યા હતા. કદાચ આ જ કારણ હતું કે કમિન્સે જાડેજા સામેની અપીલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.
કૈફે ઉઠાવ્યા સવાલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે પણ પેટ કમિન્સના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. કૈફે કમિન્સને એ પણ પૂછ્યું કે શું તેણે વર્લ્ડકપ દરમિયાન વિરાટ કોહલી સાથે આવું કર્યું હોત? કૈફે સ્પષ્ટ કહ્યું કે કમિન્સે જાણીજોઈને જાડેજાને આઉટ કર્યો ન હતો. કૈફે એક્સ પર લખ્યું, ‘જાડેજા સામે ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડની અપીલ પાછી ખેંચવા પર પેટ કમિન્સને બે સવાલ પૂછવા છે. શું સંઘર્ષ કરી રહેલા જાડેજાને ક્રિઝ પર રાખીને ધોનીને બહાર રાખવાનો વ્યૂહાત્મક નિર્ણય હતો? જો વર્લ્ડ T20માં વિરાટ કોહલી હોત તો પણ તેણે આવું જ કર્યું હોત?’