બુધવારે બે ભૂકંપો બાદ ગુરૂવારે પણ ૩.૭ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી : ગીર જંગલની ધરતીનાં પેટાળમાં ફોલ્ટ સક્રિય થતા ફરીવાર ભૂકંપોનો સિલસિલો, તમામ આંચકા જમીનથી 10  કિમી કરતા ઓછી ઉંડાઈએ 

 રાજકોટ, : ગીર જંગલમાં તાલાલાથી 12- 14 કિ.મી.ના અંતરે સાસણગીર,બોરવાવ પાસે તીવ્ર ભૂકંપોનો ભેદી  સિલસિલો ફરી શરૂ થયો છે. ગઈકાલે બપોરે 3.14વાગ્યે અને 3.18  વાગ્યે માત્ર 4 મિનિટમાં 3.7 અને 3.4ના તીવ્ર ભૂકંપો નોંધાયા બાદ આજે ફરી એ જ વિસ્તારમાં 21.168 અક્ષાંસ અને 70.592 રેખાંશ ઉપર આજે બપોરે 12.55 વાગ્યે રિચર સ્કેલ ઉપર 3.7ની તીવ્રતાથી ધરતી ધુ્રજી ઉઠી હતી. 22 કલાક કરતા ઓછા સમયમાં ઉપરાઉપરી ભૂકંપથી લોકોમાં ભયની લાગણી પ્રસરી છે અને ધુ્રજારી અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. 

સમગ્ર તાલાલા, સાસણગીર અને આસપાસના અનેક ગામોમાં ધરતી ધુ્રજી ઉઠતા લોકોમાં ભયનું મોજુ પ્રસરતા સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ આજે સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભૂકંપગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ભૂકંપ વખતે શુ કરવું તેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. ગઈકાલે તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા છેક ભાવનગર જિલ્લામાં અનુભવાયા હતા જ્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જલંધર ગામે લોકોએ તીવ્ર કંપન અનુભવ્યું હતું અને કાચા મકાનોમાં અભરાઈ પરથી ઠામવાસણ નીચે પડી ગયા હતા.

આજે  ભૂકંપ તાલાલાથી ઉત્તરે એ જ દિશામાં 14 કિ.મી.ના અંતરે સાસણગીર પાસે જમીનથી માત્ર 8800 મીટરની ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો. આ પહેલા ગત તા. 27 એપ્રિલે પણ તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો પરંતુ, હાલ ગત બે દિવસમાં આવેલા આંચકાની તીવ્રતા અનેકગણી વધારે છે. બે વર્ષ પહેલા તાલાલાના આ જ વિસ્તારમાં 4.0ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ પણ આવ્યો હતો. 

તાલાલા પંથકમાં આ ભૂકંપો જમીનની ઉપરી સપાટીએ ઉદ્ભવી રહ્યા છે અને તેનું કારણ જમીનના પેટાળમાં વિશાળ પોપડા વચ્ચે ઘર્ષણ કે ક્રેક થતી હોવાનું મનાય છે. અગાઉ થયેલા એક અભ્યાસ મૂજબ સૌરાષ્ટ્રમાં કે.એમ.એફ. જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી તેથી ભારે વિનાશકારી ભૂકંપની શક્યતા ઓછી મનાય છે. જો કે ભૂકંપ વિષે આજે પણ કોઈ આગાહી કરી શકતુ ંનથી. પરંતુ, સૌરાષ્ટ્રમાં આ પહેલા રાજકોટ પંથકમાં, તે પહેલા અમરેલીના મિતિયાળા પંથકમાં ઉપરા ઉપરી આંચકા આવ્યા છે ત્યારે તાલાલા પંથકમાં પણ ગુજરાતના આઈ.એસ.આર. દ્વારા સંશોધન કરવાની જરૂર છે. 

દરમિયાન, આજે કચ્છના ખાવડાથી 56 કિ.મી. ઉત્તરે ભારત-પાક સરહદ પાસે 2.6ની તીવ્રતાનો અને આ પહેલા ગત તા. 7ના દયાપરથી 21 કિ.મી. પૂર્વ-દક્ષિણે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઈ. 2024ના માત્ર એપ્રિલ-મે માસ દરમિયાન 39 દિવસમાં જ ભૂકંપના 13 આંચકા નોંધાયા છે. પરંતુ, તેમાં સૌથી વધુ તીવ્રતાના આંચકા તાલાલા પંથકમાં નોંધાયા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *