– ‘આપણે એક છીએ, એક મહાન દેશ છીએ સાથે મળી આપણે અવરોધો દૂર કરી શકીશું, સાથે મળી જે ઈચ્છીએ છીએ તે પ્રાપ્ત કરીશું’
મોસ્કો : પ્રેસિડેન્ટ પુતિન પાંચમી વખત રશિયાના પ્રમુખપદે ચૂંટાઈ આવતાં ક્રેમ્લીનમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં તેઓની શપથવિધિ યોજાઈ હતી. તે સમયે આપેલા વક્તવ્યમાં પુતિને કહ્યું, ‘રશિયા, વર્તમાન મુશ્કેલીભર્યા સમયમાંથી વિજયી બની બહાર આવી જ શકશે. કારણ કે આપણે સર્વે એક છીએ, એક મહાન દેશ છીએ સાથે મળી આપણે અવરોધો વટાવી શકીશું અને આપણી યોજના પ્રમાણે ઈચ્છેલી તમામ બાબતો પ્રાપ્ત કરી શકીશું. સાથે મળી આપણે વિજયી બની શકીશું.’
વિદેશ નીતિ અંગે તેઓએ કહ્યું, ‘આપણે તમામ દેશો સાથે સારા સંબંધો રાખવા માંગીએ જ છીએ અને તે દેશો રશિયાને એક વિશ્વસનીય તથા પ્રમાણિક ભાગીદાર તરીકે જુએ તે ઈચ્છીએ છીએ.’
આ સાથે વિશ્વના શક્તિશાળી નેતાઓ પૈકીના અગ્રીમ હરોળના આ નેતાએ પશ્ચિમને સંબોધતાં કહ્યું, ‘રશિયા પશ્ચિમ સાથે મંત્રણા કરવા તૈયાર જ છે, પસંદગી તેમણે કરવાની છે કે મંત્રણા કરવી કે યુદ્ધ કરવું.’ તેઓ સતત રશિયાને અંકુશિત રાખવા જ માગે છે, અને દેશ ઉપર સતત દબાણો રાખવા માગે છે, આ દબાણો વર્ષોથી થઈ રહ્યાં છે. પરંતુ તેઓ સહકાર કે શાંતિ તરફ જોતા જ નથી. વાસ્તવમાં રશિયા, યુરેશિયન ભૂ-ભાગમાં પ્રગતિની ઈચ્છા રાખે છે, તે માટે સર્વસંમતિ પણ અનિવાર્ય છે. જેથી બહુ ધુ્રવીય વિશ્વ વ્યવસ્થા સ્થપાઈ શકે, જે સમાનતા અને અતૂટ સલામતી આધારિત હોય. તેઓએ વધુમાં કહ્યું મોસ્કો સલામતી અંગેની સ્પષ્ટ મંત્રણા કરવા તૈયાર જ છે, પરંતુ તે મંત્રણા અભિમાન અને કશું છુપાવ્યા સિવાયની હોવી જોઈએ. તેમજ તે કોઈ વિકલ્પના રહિત હોવી જોઈએ.
પોતાનાં વ્યક્તવ્યમાં સમાવવામાં પુતિને કહ્યું, તમોએ મારામાં મુકેલા વિશ્વાસને હું યથાયોગ્ય બનાવી રાખીશ.
૧૯૯૯માં પુતિન વડાપ્રધાન પદેથી રશિયાના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા.