પોલીસે આ મામલે એક આરોપી ધરપકડ કરી છે
તપાસમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું
ભાણાના મામી સાથેના આડા સંબંધોના મામલે શંકા હતી
વાપી જીઆઇડીસીમાં એક અર્ધ સળગેલી લાશ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મૃતક યુવકની કરપીણ હત્યા કરી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે એક આરોપી ધરપકડ કરી છે. આ બનાવમાં એક મામાએ જ પોતાના સગા ભાણેજની હત્યા નિપજાવી હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.
તપાસમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું
વાપી જીઆઇડીસી વિસ્તારમાં ગત 4 મે ના રોજ આવેલા દમણગંગા સ્ટીલ એન્ડ પાઈપ્સ નામની કંપનીની નજીક આવેલી ઝાડીઓમાંથી એક યુવકનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન પણ હતા આથી પોલીસે હત્યાના ગુન્હો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
લાશ અર્ધ સળગેલી હાલતમાં હોવાથી તેની ઓળખ પણ મુશ્કેલ
લાશ અર્ધ સળગેલી હાલતમાં હોવાથી તેની ઓળખ પણ મુશ્કેલ હતી. પરંતુ વલસાડ એલસીબી અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ એનાલિસિસની સાથે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી તપાસ કરતા મૃતકની ઓળખ નિતેશસિંગ નામના યુવક તરીકે થઈ હતી. જે મૂળ બિહારનો રહેવાસી હતો. ઓળખ થયા બાદ પોલીસે આ અંગે તપાસ કરતા મૃતકની હત્યા મામલે પોલીસે સુરેનસિંગ નામના એક આરોપીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો
આરોપી સુરેનસિંગની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી સુરેનસિંગ મૃતક નિતેશસિંગનો મામો હતો. મામાએ જ કંશ બની અને ભાણેજની કરપીણ હત્યા કરી હતી. હત્યા કરવા પહેલા મામાએ ભાણેજને દમણ એક ઢાબા પર લઈ જઈ અને ખાવા પીવાની પાર્ટી કરી અને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ દમણથી ઘરે પરત ફરતા આ જગ્યા પર મામાએ ભાણેજના માથામાં પથ્થરના ઘા ઝીંકી અને તેની ઘાતકી હત્યા કરી મૃતદેહની ઓળખ છુપાવવા પોતાની સાથે લાવેલા કેમિકલ છાટી અને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં થયેલા ખુલાસા મુજબ આરોપી સુરેનસિંગને તેના ભાણા નિતેશસિંઘ પર તેની પત્ની એટલે કે મૃતકની મામી સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો. આથી મામાએ રાજકોટ રહેતા ભાણેજને વાપી બોલાવ્યો હતો. અને ત્યારબાદ તેને ભાણેજની હત્યા માટે બનાવેલા પ્લાન મુજબ જ તેની હત્યા કરી નિપજાવી હોવાનું બહાર આવ્યું છે .