Image: Facebook
T20 World Cup 2024: ભારતીય ટીમના ICC ટી20 વર્લ્ડ કપનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. બુધવારે BCCIએ ટુર્નામેન્ટમાં ઉતરનારી ટીમનું એલાન કર્યું હતું. મુખ્ય સિલેક્ટરે 15 સભ્યની ટીમની પસંદગી કરી. રોહિત શર્મા આ મેગા ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. ટી20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર યુવરાજ સિંહે કહ્યું કે રોહિત શર્માનું વર્લ્ડ કપમાં હોવુ ખૂબ જરૂરી છે.
યુવરાજ સિંહે કહ્યું, ‘રોહિત શર્માનું વર્લ્ડ કપમાં હોવુ ખૂબ જરૂરી છે. અમને લાગે છે કે અમારે એક સારા કેપ્ટનની જરૂર છે જે પ્રેશરમાં પણ યોગ્ય નિર્ણય લે અને રોહિત તેમાં માહિર છે. જ્યારે અમે 2023નો વર્લ્ડ કપ હાર્યા તો તે સમયે રોહિત શર્મા જ કેપ્ટન હતો. તેણે એક કેપ્ટન તરીકે પાંચ IPL ટ્રોફી જીતી છે. મને લાગે છે અમારે આવા જ કોઈ એક ખેલાડીની જરૂર છે જે ભારતની કેપ્ટનશિપ કરે. તે ખૂબ રમૂજી સ્વભાવનો છે. અમે હંમેશા તેમની મજાક કરીએ છીએ. પરંતુ તે ખૂબ સારો માણસ છે. હુ ખરેખર રોહિતને વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા માગુ છુ’.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત આજ સુધી એક પણ ICC ટ્રોફી જીતી શક્યું નથી. વર્ષ 2023ના વર્લ્ડ કપમાં તે ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં સફળ થયો હતો પરંતુ ત્યાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટી20માં ભારતીય ટીમ માટે રોહિત શર્માએ 54 વખત કેપ્ટનશિપ કરી છે. તેણે 41 મેચમાં જીત મેળવી છે. IPL માં 158 મેચમાં કેપ્ટનશિપ કરતા 87 મેચમાં જીત અપાવી છે જ્યારે 67 મેચમાં તેને હાર મળી છે. આ મહાન કેપ્ટનની જીત 55.06 ટકા રહી. મુંબઈની ટીમે અત્યાર સુધી જે 5 ખિતાબ જીત્યા છે તે પણ રોહિત શર્માની કેપ્ટનશિપમાં જ આવ્યા. વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં આ દિગ્ગજે ટીમને IPL ચેમ્પિયન બનાવ્યો હતો.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: ટી20 વર્લ્ડ કપ 2024ની ભારતીય ટીમ: રોહિત શર્મા(કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ.