Image: Wikipedia

ઈરાનની સીરિયા સ્થિત કોન્સ્યુલેટ પર ઈઝરાયેલે કરેલી એર સ્ટ્રાઈક બાદ ઈરાને વળતો જવાબ આપવાની ધમકી આપી છે. જેના પગલે ઈઝરાયેલે પોતાની સેનાને એલર્ટ પર મુકી દીધી છે.સૈનિકોની રજાઓ રદ કરી દેવામાં આવી છે.ઈઝરાયેલી સેનાએ કહ્યુ છે કે, જે પ્રકારની સ્થિતિ છે તેનુ મૂલ્યાંકન કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઈઝરાયેલના જેટલા પણ સક્રિય સૈનિકો છે તેમની રજા પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે.રિઝર્વ સૈનિકોને પણ તૈયાર રહેવા માટે જણાવાયુ છે.

તેલ અવીવમાં રહેતા નાગરિકોનુ કહેવુ છે કે, જીપીએસ સેવાઓ ખોરવાઈ રહી છે અને જાણકારોના મતે ગાઈડેડ મિસાઈલ્સના હુમલાને રોકવા માટે જીપીએસ સેવાને રોકવામાં આવતી હોય છે.ઈઝરાયેલે ઈરાન દ્વારા થનારા સંભિવત મિસાઈલ હુમલાને રોકવા માટે પણ કાર્યવાહી શરુ કરી હોય તેમ લાગે છે.

સાથે સાથે ઈઝરાયેલે દુનિયાના તમામ દેશોમાં આવેલી એમ્બેસીઓને પણ સાવચેત રહેવા જણાવ્યુ છે.ઘણા દેશોમાં ઈઝરાયેલના રાજદૂતોને સુરક્ષાને ધ્યાનમા રાખીને જાહેર કાર્યક્રમોમાં સામેલ નહીં થવા માટે કહયુ છે.કારણકે ઈઝરાયેલની સરકારને શંકા છે કે, ઈરાન વળતા જવાબ રુપે ઈઝરાયેલના દૂતાવાસોને ટાર્ગેટ કરી શકે છે.

એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે, ઘણા દેશોમાં તો ઈઝરાયેલે પોતાના દૂતાવાસ ખાલી કરાવી દીધા છે.જોકે આ અહેવાલોનુ ઈઝરાયેલે બાદમાં ખંડન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનની સીરિયા સ્થિત  કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ હતી  અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહેદીનુ મોત થયુ હતુ. કુલ મળીને રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ માર્યા ગયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *