– હમાસે કેરેમ શાલોમ ક્રોસિંગ પર હુમલો કરી 3 ઈઝરાયેલી સૈનિકોને મારી નાખ્યા પછી વળતા હુમલાની ઈઝરાયલે તૈયારી કરી
તેલઅવીવ, નવી દિલ્હી : ઈઝરાયલે પૂર્વ રાફા ઉપર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર પહોંચી જવા જણાવી દીધું છે. હમાસે કેરેમ શલોમ ક્રોસિંગ ઉપર હુમલો કરી ૩ ઈઝરાયલી સૈનિકોને મારી નાખ્યા છે. તેનું વેર વાળવા ઈઝરાયલે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈઝરાયલ ડીફેન્સ (આઈડીએફ) તરફથી કહેવામાં આવ્યું છે કે રાફામાં હુમલો પ્રમાણમાં મર્યાદિત રહેશે.
હમાસના હુમલા પછી ઈઝરાયલે ચેક પોસ્ટ બંધ કરી દીધું છે. ગાઝા યુદ્ધ અંગે કેરોમા થયેલી વિડીયો કોન્ફરન્સ અનિર્ણિત રહી. હવે હમાસના પ્રતિનિધિઓ મંત્રણા માટે અને સલાહ-સૂચન માટે કટાર જવાના છે. હમાસનાં પ્રતિનિધિ મંડળે મધ્યસ્થીઓના પ્રસ્તાવો પર પ્રતિક્રિયા આપી હતી. ઈજીપ્ત અને કટારના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી. તે પછી રવિવારે સાંજે તેમણે કેરો છોડી કટાર જવા નિર્ણય લીધો, અને કટાર સ્થિત તેમના નેતાઓ સાથે પરામર્શ કરવા પણ નિશ્ચય કર્યો.
મહીનાઓથી ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાંથી માર્ગ કાઢવા, મંત્રણાનો નવો દોર શનિવારથી કેરોમાં શરૂ થયો પરંતુ ઈઝરાયલે તેનો કોઈ પ્રતિનિધિ મોકલ્યો ન હતો. ઈઝરાયલ તે જોવા માગતું હતું કે અમેરિકા પણ જેમાં સામેલ છે, તે મધ્યસ્થીઓનો છેલ્લામાં છેલ્લો પ્રસ્તાવ હમાસ સ્વીકારે છે કે કેમ ? વાસ્તવમાં તે પ્રસ્તાવમાં ઈઝરાયલ હમાસ વચ્ચે બહુસ્તરીય સમાધાન થવાની આશા વ્યક્ત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૨૩માં એક ટૂંકો યુદ્ધ વિરામ થયો હતો. તે સમયે થયેલી મંત્રણા પછી આશરે છ મહીના સુધી મંત્રણા અટકી પડી હતી. તે માટે ઈઝરાયલે હમાસને દોષિત ઠરાવ્યું હતું. હમાસે રવિવારે કહ્યું કે તે મંત્રણા સકારાત્મકતા અને જવાબદારી પૂર્વક કરી રહ્યું છે. તો બીજી તરફ નેતન્યાહૂએ હુંકાર સાથે કહી દીધું છે કે જ્યાં સુધી હમાસ ઈઝરાયલની શરતો નહીં સ્વીકારે ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે.