– લંડનમાં યોજાયેલા કાર્યક્રમોની સફળતાથી પ્રેરાઈને
– સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સહિત અન્ય દેશોની પાંચસો મહિલાઓએ ભાગ લીધો
ન્યુ યોર્ક: ન્યુ યોર્ક સિટીમાં ટાઈમ્સ સ્ક્વેરમાં ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતીય-અમેરિકી સમુદાય તેમજ બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસએ, યુએઈ, યુગાન્ડા, ટ્રિનિડાડ અને ગુયાનાની પાંચસોથી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન બ્રિટિશ વુમેન ઈન સારીઝ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્રોતો દ્વારા કન્યાઓ, યુવતીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં કાર્યરત અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કરાયું હતું.
અગાઉ લંડનમાં ટ્રાફલગર સ્ક્વેર ખાતે ઐતિહાસીક સાડી વોકેથોન અને રોયલ એસ્ટોક લેડીઝ જેવા વૈશ્વિક કાર્યક્રમોની સફળતાથી પ્રેરાયેલા આ કાર્યક્રમનો હેતુ સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઉજવણી ઉપરાંત ગ્રામીણ ભારતના કારીગરોને ટેકો આપવા અને પરંપરાગત કારીગરીને જાળવવાનો પણ હતો. કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતીક તરીકે ગણાવવામાં આવી હતી. તેમણે વૈશ્વિક સ્તરે આ પોષાકને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી.
ન્યુ યોર્ક શહેરના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણે આયોજકોના સંચાલકોનું બહુમાન કર્યું હતું અને તેમના ફાળાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વૈશ્વિક સમુદાયનો પ્રભાવ દર્શાવવાનું મંચ બની રહે છે. તેમણે જણાવ્યું કે સાડી સૌંદર્યના પ્રતીક ઉપરાંત પરંપરાગત કારીગરી જાળવવા માટે પણ મહત્વની છે.
ન્યુ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શ્રુતિ પાંડેએ જણાવ્યું કે સાડી તેની વૈવિધ્યતા અને સૌંદર્ય સાથે માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ છે.
બ્રિટિશ ચેરિટીની પ્રતિનિધિ ડો. જેસિકા સિમ્સએ સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવામાં સાડીના મહત્વને બિરદાવ્યું હતું.