China-Taiwan tensions: શું ચીન તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે? ચીનની ગતિવિધિઓ જોઈને આ સવાલ ઉઠવા લાગ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, આકાશમાં ચીનના સાત ફાઈટર જેટનું પેટ્રોલિંગ અને તાઈવાનના દરિયામાં પાંચ યુદ્ધજહાજ તહેનાત કર્યા છે. જેને લઈને તાઈવાને પણ પોતાની સુરક્ષા વધારી દીધી છે. નોંધનીય છે કે, ચીન લાંબા સમયથી તાઈવાનને પોતાનો ભાગ માની રહ્યું છે.
તાઈવાને સુરક્ષા વધારી
ચીનની હરકતો અંગે તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘શનિવારે (ચોથી મે) સવારે ચીનના સાત ફાઈટર જેટ અને પાંચ યુદ્ધજહાજ તાઈવાનની આસપાસ ફરતા જોવા મળ્યા. ચીનનું ફાઈટર જેટ તાઈવાન સ્ટ્રેટમાં સ્થિત દરિયાઈ સરહદને પાર કરીને દક્ષિણ-પશ્ચિમ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ્યું હતું. અમે સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે. આ ઉપરાંત ફાઈટર જેટ, યુદ્ધજહાજ અને કોસ્ટલ મિસાઈલ સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે.’
ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી
તાઈવાન પર ચીન દ્વારા આવી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મે મહિનામાં તાઈવાનના વિસ્તારમાં ચીનના ફાઈટર જેટ 39 વખત અને યુદ્ધજહાજ 21 વખત જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીને સપ્ટેમ્બર 2020થી તાઈવાનની આસપાસ પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. આ વિસ્તારમાં ફાઈટર જેટ અને યુદ્ધજહાજ વારંવાર જોવા મળે છે.