– ક્વીન્સલેન્ડનાં એમપીના આક્ષેપથી ખળભળાટ   

– ૩૭ વર્ષીય સાંસદ બ્રિટની લોગાના મેડિકલ રિપોર્ટ બાદ તેના શરીરમાં ડ્રગ્સ હોવાની માહિતી મળી  

સિડની: ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદે દાવો કર્યો છે કે, તેમને નાઈટ આઉટ દરમિયાન ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને તેમની ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ૨૭ માર્ચની રાત્રે તેમના મત વિસ્તારમાં ઘટી હતી. 

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં ક્વીન્સલેન્ડના સાંસદ બ્રિટની લૌગાએ કહ્યું કે, ૨૮ એપ્રિલની સવારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ટેસ્ટમાં તેમના શરીરમાંથી ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, તેમના શરીરમાં જે દવાઓની હાજરી મળી હતી તે તેમણે ક્યારેય લીધી નહતી.

બ્રિટનીએ કહ્યું કે, તેમણે આ અઠવાડિયા દરમિયાન તેમના શહેરની અન્ય સ્ત્રીઓનો સંપર્ક કર્યો હતો. આ તમામ મહિલાઓને સમાન અનુભવો થયાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે ડ્રગ્સ કે હુમલાના ડર વિના આપણા શહેરોમાં મુક્ત થઈને ફરી શકવા જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથેજ તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં અન્ય કોઈ મહિલાએ ફરિયાદ નોંધાવી નથી.

ક્વીન્સલેન્ડના હાઉસિંગ મિનિસ્ટર મેગન સ્કેનલોને બ્રિટનીના આરોપોને ચોંકાવનારા અને ભયાનક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, બ્રિટની એક સહકર્મી, મિત્ર અને યુવા મહિલા છે અને તેની સાથે બનેલી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. આ સાથે જ તેમણે મહિલાઓની સાથે થતી ઘરેલુ હિંસા અને જાતીય હુમલાઓના મામલાઓને સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું કહ્યું હતું.   

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *