(પીટીઆઇ) હૈદરાબાદ, તા. ૫
ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ
મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનામતની વિરુદ્ધ છે અને તે અનામત પરત લેવા
માગે છે.
તેલંગણામાં આદિલાબાદ (એસટી) લોકસભા બેઠક હેઠળ આવતા
નિર્મલમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે હાલમાં ચાલી રહેલી
લોકસભા ચૂંટણી બે વિચારધારા વચ્ચેની લડાઇ છે. જેમાં કોંગ્રેસ બંધારણનું રક્ષણ
કરવાનેો પ્રયત્ન કરી રહી છે. જ્યારે ભાજપ-આરએસએસ ગઠબંધન બંધારણ અને લોકોના
અધિકારોને સમાપ્ત કરવા માગે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અનામતની વિરુદ્ધ
છે. તે અનામત પરત લેવા માગે છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો અનામતને ૫૦ ટકાથી
વધારવાનો છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે ભાજપ ઇચ્છે છે કે પછાત વર્ગના લોકો, દલિતો, આદિવાસીઓ પછાત જ
રહે.
આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી સોમવારથી
રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શુક્રવારે જાહેરાત કરી હતી કે
રાહુલ ગાંધી રાયબરેલીથી અને કિશોરીલાલ શર્મા અમેઠીમાંથી ચૂંટણી લડશે. સૂત્રોએ
જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને કીશોરી લાલ શર્માનો વિજય સુનિશ્ચિત કરવા માટે
પ્રિયંકા ગાંધી આક્રમક પ્રચાર કરશે.
દક્ષિણ દિલ્હીના આપ ઉમેદવાર સહીરામ પહલવાનના સમર્થનમાં
યોજાયેલા રોડ શોમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે આરોપ મૂક્યો હતો કે
મુખ્યપ્રધાન કેજરીવાલને એટલા માટે જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે જેથી તેમનો અવાજ
દબાવી શકાય. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૨૫મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવાની છે.