Jammu And Kashmir News | જમ્મુ કાશ્મીરના પૂંચમાં આતંકીઓએ ઇન્ડિયન એરફોર્સના કાફલા પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો અને પાંચ ઘાયલ થયા હતા. ઘાયલોમાં બેની સ્થિતિ હજુ પણ ગંભીર છે. દરમિયાન સૈન્યએ સમગ્ર પૂંચને ઘેરી લીધુ છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. છેલ્લા 48 કલાકથી પૂંચમાં મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે. ચાર જેટલા આતંકીઓ એરફોર્સના ટ્રકની સામે આવી ગયા હતા અને બેફામ ગોળીબાર કરી ભાગી ગયા હતા.
ટ્રકના વિન્ડશીલ્ડ પર ગોળીઓના અનેક નિશાન જોવા મળ્યા હતા, આતંકીઓએ આ હુમલા માટે અસોલ્ટ રાઇફલનો ઉપયોગ કર્યો હતો. હુમલો કરીને આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હોવાથી સમગ્ર જંગલને સૈન્ય દ્વારા ઘેરી લેવાયું છે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ ચારેય બાજુ ઘેરાબંધી કરી લીધી છે. સાથે જ રોડ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરાઇ રહ્યું છે. જ્યારે અનેક સ્થાનિકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોને અટકાયતમાં પણ લેવાયા છે.
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે આતંકીઓએ આ હુમલા માટે જે રાઇફલોનો ઉપયોગ કર્યો હતો તેમાં અમેરિકી બનાવટની એમ૪ કાર્બાઇન બંદુકનો ઉપયોગ કર્યો હતો, સાથે જ સ્ટીલની ગોળીઓ પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. વધુમાં વધુ ઘાતક રીતે આ હુમલાની અસર થાય તે હેતુથી આતંકીઓએ આ બંદુક અને સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન એરફોર્સ અને સૈન્યના તમામ દળોએ શહીદ જવાન કોર્પોરલ વીક્કી પહાડેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે મોટા પ્રમાણમાં સૈન્ય જવાનોને સર્ચ ઓપરેશનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે હજુસુધી આતંકીઓનો સંપર્ક થઇ શક્યો નથી.
જ્યારે શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ બે આતંકીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભારતીય એરફોર્સ પર થયેલો આ હુમલો સાબિત કરે છે કે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નથી થયો. ભાજપ દાવો કરી રહી છે કે આર્ટિકલ ૩૭૦ હટાવવાને કારણે આતંકી હુમલા થઇ રહ્યા છે. જોકે આ દાવા ખુલ્લા પડી ગયા છે.
– શહીદ જવાન પુત્રનો જન્મ દિન ઉજવવા ઘરે જવાનો હતો
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો તેમાં જે જવાન શહીદ થયો તે પુત્રના જન્મ દિનની ઉજવણી માટે ઘરે જવાનો હતો. વિક્કી પહાડેના પુત્રનો સાતમી તારીખે જન્મ દિન હતો. જોકે તે જન્મ દિનની ઉજવણી માટે પુત્રને મળે તે પહેલા જ આતંકીઓના હુમલામાં શહીદ થઇ ગયો હતો. વિક્કી પહાડે ૨૦૧૧થી એરફોર્સમાં સેવા આપી રહ્યા હતા. તેમને પાંચ વર્ષનો પુત્ર છે. શહીદ જવાન મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના નોનિયા કરબલ ગામનો રહેવાસી છે.