મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહી યજમાન સાથે ઝઘડો કર્યો

ગુસ્સે થયેલા ગોરમહારાજને યજમાન હાથ પકડીને સમજાવવા લઈ જતાં હતા ત્યારે હાથ  છોડાવી દેતા યજમાન ગબડી પડવાની સાથે જ બેભાન થઈને મોતને ભેટયા

જેતપુર: સામાન્ય રીતે ગ્રામ્યવિસ્તારમાં ભૂદેવો અને યજમાનો વચ્ચે સંબંધો લાગણીસભર અને મધૂરાં હોય છે. પરંતું જેતપુર તાલુકાના રબારીકા ગામે  વણજોતો અકલ્પનીય બનાવ બન્યો હતો. જેમાં નાની વાતે ગોર મહારાજે મોટું  રૌદ્ર સ્વરૂપ લઈ લેતાં ગોર યજમાન વચ્ચે તડાફડી બોલી ગઈ હતી. આ ઘટનામાં એવી વાત છે કે  ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન નોતરતા ગોર મહારાજે  ગુસ્સે થઈ જઈને  યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. 

બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા ચૈત્ર માસ નિમિતે  પિતૃ હવન કર્યો હતા. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ હતાં.  હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અને ખાંટ સમાજમાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે  ગોરબાપા તરીકે અમૃતલાલ શિવશંકર દવે કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહીને બોલાચાલી કરવા લાગ્યાં હતા. આ વયોવૃદ્ધ ગોરમહારાજને પરિવારજનોએ જણાવ્યું હતું કે, તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે જ ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડયા. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે રકઝક કરી  રહ્યા હતા.એ દરમિયાન યજમાન ગોર મહારાજને શાંત કરવા માટે હાથ પકડી રૂમમાં લઈ જતા હતા એ દરમિયાન ખીજાયેલા ગોરમહારાજે  ધક્કો મારતાં  હાથ છૂટી જતા રવજીભાઈ ઓસરીમાં પાણીયારે નીચે રહેલ ચોકડીની પાડ (સિમેન્ટની કિનારી) કોર માથાના ભાગે વાગતા જમીન પર પટકાયા હતા .અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતાં તોઓ બેભાન થઈ ગયાં હતા. આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં.

આથી આખી ઘટના પોલીસ મથકે પહોંચી હતી. સમાજના પારંપરિક ગોરે સમય ન આપતાં અન્ય ગોરને બોલાવીને હવન શરૂ કરાવી દેવાયો હતો .અને તેના પગલે અમૃતલાલ ગોર ગિન્નાયા હતા અને તેમણે યજમાન પર બધો ખાર ઉતારતાં બિન ઈરાદે યજમાન રવજીભાઇનું મોત થયું હતું. જો કે મૃતકના મોતનું મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.જ્યારે ગોર મહારાજ સામે આઇપીસી કલમ ૩૦૪ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *