સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રાને યાદ કરી વડાપ્રધાને સંવિધાન પ્રત્યેનું સમર્પણ વર્ણવ્યું : ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી ફરીને ધૂમધામથી સંવિધાન યાત્રા ગામે-ગામ કાઢવી છે : સંવિધાન સન્માનનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવું છે
રાજકોટ, : સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણી પ્રચારનાં અંતિમ તબક્કામાં આજરોજ આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સંખ્યાબંધ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડીએ સંવિધાનને બેસાડીને જે ગૌરવયાત્રા કાઢવામાં આવી હતી તેને યાદ કરીને જણાવ્યું હતું કે, એ સંવિધાન ગૌરવ યાત્રામાં મોદી પગે ચાલીને ફર્યા હતાં. સંવિધાનનું સન્માન વધાર્યું હતું.
દેશમાં ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલા સંવિધાનને સર્વોપરી કહી વડાપ્રધાને જાતિ અને ધર્મ આધારીત વોટબેંકની કોંગ્રેસની રાજનીતિની આકારા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સંવિધાન પ્રત્યેનાં સમર્પણ અને સન્માનની ભાવનાને વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 ની ચુંટણીનાં પરિણામો જાહેર થયા પછી ફરીને સંવિધાનનું ગૌરવ વધારવા ગામે ગામ જઈને ધૂમધામથી યાત્રા કાઢવી છે. સંવિધાનને સન્માન આપવા માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવું છે.
સુરેન્દ્રનગર વિસ્તારમાં લોકસભાની પ્રચાર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તળદી ભાષા શૈલી અને કહેવતોનો ઉપયોગ કરી કોંગ્રેસને આડેહાથે લીધી હતી. ખેલ ખેલાડીનાં અને ઘોડા અસવારોનાં કહી તેમણે કોંગ્રેસનાં શાહજાદાને જાહેરમાં જાતિ કે ધર્મ આધારીત રાજકારણ નહી ખેલવાની ચેલેંજ ઉઠાવી લેવાનો પડકાર ફેંક્યો હતો.
રાજકોટ – સુરેન્દ્રનગર રોડ ઉપર આયોજિત જાહેરસભામાં ઉપસ્થિત સંખ્યાબંધ મહિલાઓએ વડાપ્રધાન મોદીનાં ઓવારણાં લીધા હોવાનો ઉલ્લેખ કરી તેઓએ ઉમેર્યું હતું કે આ પ્રદેશનો હું ઋણી છું. અહીથી શિક્ષા – દિક્ષાના પાઠશીખીને દિલ્હી ગયો છું. પણ જયારે આપણાં પ્રદેશમાં આવું છું ત્યારે આપ સૌને મળીને વધુ આનંદ થાય છે.
કોંગ્રેસ રોંગ સાઈડ ડીલીવરી કરી રહ્યાં હોવાનો કટાક્ષ કરી વડાપ્રધાને કોંગ્રેસનાં ચૂંટણી એજન્ડાની વિવાદાસ્પદ બાબતોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાણી સમસ્યા હલ કરવામાં સૌની યોજનાની ઉપયોગીતા સહિત ભુતકાળની કોંગ્રેસની સરકારમાં લોકોને થકી હેરાનગતિનો ઉલ્લેખ કરી તેઓએ શાબ્દિક પ્રહારો કર્યા હતાં.