Image Source: Twitter
RCB vs GT: ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. GT એ આપેલા 148 રનના ટાર્ગેટ સામે RCBએ 6 વિકેટ ગુમાવી 13.4 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. આ મેચ બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે જણાવ્યું કે, હું જ્યારે સવારે ઉઠ્યો ત્યારે મારી તબિયત ઠીક નહોતી. દર્દના કારણે મેદાન પર આવવાનું મન નહોતું. પરંતુ મેદાનમાં ઉતર્યા બાદ સિરાજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે તેની બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો. નવા બોલથી પાવર પ્લેમાં પહેલા રિદ્ધિમાન સાહા અને પછી કેપ્ટન શુભમન ગીલને આઉટ કરીને ગુજરાતનો પરસેવો છોડાવી દીધો હતો. સિરાજની આક્રમક બોલિંગના કારણે RCBએ ગુજરાતને માત્ર 147 રનમાં ઓલ આઉટ કરી દીધુ હતું અને 28 બોલ બાકી રહેતાં 4 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
મોહમ્મદ સિરાજને મળ્યો મેન ઓફ ધ મેચ
ફાફ ડુપ્લેસિસે પણ RCB તરફથી ધમાકેદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી પરંતુ મેન ઓફ ધ મેચ મોહમ્મદ સિરાજને મળ્યો હતો. આ એવોર્ડ બાદ સિરાજે કહ્યું કે, ગુજરાત સામેની મેચ પહેલા મારી તબિયત સારી નહોતી. મને મેદાન પર આવવાનું મન નહોતું પરંતુ પછી મેં મારી જાતને તૈયાર કરી અને મેદાન પર આવ્યો.
નવા બોલથી સિરાજને મળી સફળતા
નવા બોલ અંગે મોહમ્મદ સિરાજે કહ્યું કે, નવો બોલ મારી તાકાત છે. આ સિઝનમાં મને કેટલીક મેચોમાં નવો બોલ નહોતો મળ્યો તેથી હું નવો બોલને મિસ કરી રહ્યો હતો. ગત વર્ષે મેં નવા બોલથી સારી બોલિંગ કરી હતી. આ વખતે પણ જ્યારે મને નવા બોલ સાથે તક મળી ત્યારે મેં સારું પ્રદર્શન કર્યું છે.
તેણે કહ્યું કે, મને સારું લાગી રહ્યું છે. આજે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મેં રિદ્ધિમાન સાહાને એ જ રીતે આઉટ કરવાનું વિચાર્યું હતું અને હું ખુશ છું કે મેદાન પર મેં જે વિચાર્યું હતું તે કરી શક્યો.
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝન મોહમ્મદ સિરાજ માટે કંઈ ખાસ નથી રહી. બોલિંગમાં તેને બહુ સફળતા નથી મળી પરંતુ તેણે ગુજરાત સામે જે રીતે વાપસી કરી છે તે ખૂબ જ શાનદાર છે અને તેનાથી આવનારી મેચોમાં RCBને ફાયદો થશે.