IPL 2024, PBKS vs CSK: IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પંજાબ કિંગ્સ (PBKS)ને 28 રનથી હરાવ્યું હતું. ધર્મશાલા મેદાનમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેમણે 43 રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ પણ લીધી હતી.
રવિન્દ્ર જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. તેમણે પહેલા બેટિંગમાં 43 રન બનાવ્યા અને પછી ત્રણ વિકેટ પણ લીધી. જાડેજા ઉપરાંત સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડેએ પણ સારી બોલિંગ કરી હતી. આ બંને બે-બે વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સ માટે પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહે સારી બેટિંગ કરી હતી.
ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી
આ જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નાઈએ 11 મેચમાં છ જીત અને પાંચ હાર સાથે 12 પોઈન્ટ છે. આ જીતે ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ સાથે જ પંજાબની ટીમની આ સાતમી હાર હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. ચેન્નાઈની આગામી મેચ 10મી મેના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે છે. પંજાબની ટીમ નવમી મેના રોજ ધર્મશાલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે ટકરાશે.