– વારંવાર રિલીઝ ડેટ ઠેલાઈ હતી
– દરેક ફિલ્મ થોડા સમય પછી ઓટીટી પર આવતી જ હોય છે : નેટ યૂઝર્સ દ્વારા ટીકા
મુંબઇ : રાશી ખન્નાએ તેની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ ફલોપ ગઈ તે માટે ઓટીટી રિલીઝનું બહાનું આપ્યું છે. રાશીના જણાવ્યા અનુસાર તમામ દર્શકોને જાણ હતી કે આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પર આવવાની છે. આથી કોઈ થિયેટરમાં જોવા આવ્યું જ ન ન હતું.
નેટ યૂઝર્સ દ્વારા રાશીનાં આ સ્ટેટમેન્ટની ભારે ટીકા કરવામાં આવી હતી. લોકોએ કહ્યું હતું કે હવે દરેક ફિલ્મ મોટાભાગે બે મહિના પછી ઓટીટી પર આવી જ જાય છે. તેમ છતાં પણ લોકો સારી ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય જ છે. લોકોએ આ માટે અજય દેવગણની ‘શૈતાન’ સહિતની ફિલ્મોના દાખલા આપ્યા હતા. વાસ્તવમાં કરણ જોહરની ‘યોદ્ધા’ ફિલ્મ બહુ લાંબા સમયથી તૈયાર થઈ ગઈ હતી. પરંતુ, અનુકૂળ રિલીઝ ડેટ નહીં મળવાથી તેની રિલીઝ સતત ઠેલાતી રહી હતી. વારંવાર રિલીઝ તારીખમાં ફેરફાર પરથી એ નક્કી થયું હતું કે ખુદ નિર્માતા કરણ જોહરને પણ આ ફિલ્મ વિશે બહુ ભરોસો રહ્યો ન હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મથી એક્શન હિરો તરીકે છવાઈ જવા માગતો હતો પરંતુ તેની મુરાદ બર આવી નથી.
બીજી તરફ રાશી ખન્નાના દાવા અનુસાર તેની એક્ટિંગના બહુ વખાણ થઈ રહ્યાં છે અને હજુ પણ લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.