Joe Biden Statement on India : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ભારત પર મોટો આરોપ લગાવ્યા બાદ હવે અમેરિકા ડેમેજ કંટ્રોલ મોડમાં છે. જોકે, એક દિવસ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે, ભારત, જાપાન, રશિયા અને ચીન તે દેશ છે જે વિદેશીઓ સાથે નફરત રાખે છે. અમેરિકાની જેમ તેમાંથી કોઈ દેશ અપ્રવાસીઓનું સ્વાગત નથી કરતો. બાઇડને ભારતને ‘ઝેનોફોબિક’ કહ્યું હતું. અહીં ‘ઝેનોફોબિક’નો મતલબ બહારના લોકો સાથે ડરથી હતો. એટલે બાયડન કહેવા માગી રહ્યા હતા કે ભારતને બહારના લોકોથી ડર લાગે છે એટલા માટે તેઓ તેમને પોતાને ત્યાં આશરો નથી આપતા. હવે અમેરિકાએ આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે.
રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ અને કાર્યાલય વ્હાઇટ હાઉસે રશિયા, ચીન, ભારત અને જાપાનને ‘વિદેશીઓ સાથે નફરત રાખનાર’ સંબંધી બાઇડનના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, અમેરિકા અપ્રવાસીઓનો દેશ છે અને કોઈ અન્ય દેશ અપ્રવાસીઓનું તે રીતે સ્વાગત નથી કરતા, જેમ અમેરિકા કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને જાપાન ‘ક્વાડ’ના સભ્ય છે. આ ચાર સભ્ય રણનીતિક સમૂહમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે.
ભારત અને જાપાન સાથે સંબંધો મજબૂત : અમેરિકા
બુધવારના એક કાર્યક્રમમાં બાઇડને કરેલી ટિપ્પણી અંગે ‘વ્હાઇટ હાઉસ’ના પ્રેસ સચિવ કૈરિન જ્યાં-પિયરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એક ‘વ્યાપક બિંદુ’ પર વાત કરી રહ્યા હતા. અમારા સહયોગી અને સાથી ખુબ સારી રીતે જાણે છે કે રાષ્ટ્રપતિ તેમનું કેટલું સન્માન કરે છે. જાપાનના સંદર્ભવમાં જેમ કે તમે જાણો છો કે તેઓ હાલમાં જ અહીં રાજકીય પ્રવાસે આવ્યા હતા. અમેરિકા અને જાપાનના સંબંધો મહત્વપૂર્ણ છે. આ ગાઢ અને કાયમી ગઠબંધન છે.
તેમણે કહ્યું કે, તેમણે (બાઇડને) એક વ્યાપક બિંદુ પર ટિપ્પણી કરી હતી કે દેશમાં અપ્રવાસીઓનું હોવું કેટલું જરૂરી છે અને કેવી રીતે તેના કારણે આપણો દેશ મજબૂત બને છે. આ અંગે વાત કરી રહ્યા હતા. ભારત અને જાપાનની સાથે નિઃસંકોચ અમારા સંબંધ મજબૂત છે અને જો તમે છેલ્લા ત્રણ વર્ષ પર નજર નાખો તો રાષ્ટ્રપતિ આ રાજકીય સંબંધો પર નિશ્ચિત રીતે ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
જો બાઇડને શું કહ્યું હતું?
એક કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે, ‘ભારત જેવા દેશો ઝેનોફોબિક છે અને આર્થિક શક્તિના રૂપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે. ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો ઝેનોફોબિક દેશો છે. તેમની અર્થવ્યવસ્થા તે કારણે પ્રભાવિત થાય છે. ઝેનોફોબિક એટલે એક પ્રકારનો ડર, તે ડર બહારથી આવતા લોકોને રોકે છે. ભારત, ચીન, રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. તે કારણે જ તેમનું અર્થતંત્ર વધુ વિકાસ નથી પામતું.
બાઇડેને કહ્યું હતું કે, ‘આપણા અર્થતંત્રનો ઝડપી વિકાસ થાય છે, કારણ કે આપણે અને અન્ય લોકો પણ મહેનત કરે છે. એવું એટલા માટે છે કે આપણે પ્રવાસીઓને આવકારીએ છીએ.’ ચીનનું ઉદાહરણ આપીને બાઇડેને સમજાવ્યું હતું કે, ‘ચીનનું અર્થશાસ્ત્ર શા માટે સ્થગિત થઈ ગયું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે? આવું એટલા માટે છે કે તેઓ ઝેનોફોબિક છે. તે લોકો પ્રવાસી સમુદાય નથી ઇચ્છતા. પરંતુ અમેરિકાને તો પ્રવાસીઓ જ મજબૂત કરે છે.’