Prakashraj Viral Reaction: અભિનેતા પ્રકાશ રાજ પોતના દમદાર અભિનય અને નરેન્દ્ર મોદી તથા ભાજપ વિરુદ્ધ અવારનવાર નિવેદન આપીને ચર્ચામાં રહે છે. તેમણે ‘શક્તિ’, ‘વોન્ટેડ’, ‘સિંઘમ’ અને ‘દબંગ 2’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ ઘણી વખત વિલન બનીને હીરોની મુશ્કેલીઓમાં વધારો કરતા નજર આવ્યા છે. જોકે, પ્રકાશ રાજ હંમેશા ભાજપની વિરુદ્ધ રહ્યા છે. તેઓ તેમની નીતિઓ પર વારંવાર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેઓ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવતા હોય છે. ક્યારેક સાંકેતિક રીતે તો ક્યારેક સીધી રીતે તેઓ ભાજપ પાર્ટીની ટીકા કરતા નજર આવે છે.
તે એટલા અમીર નથી કે મને ખરીદી શકે
ટ્વિટર પર એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. ધ સ્કિન ડોક્ટર નામના એકાઉન્ટમાંથી એક પોસ્ટ લખવામાં આવી હતી – પ્રકાશ રાજ 3 વાગ્યે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. હવે આનો સ્ક્રીનશોટ લઈને પ્રકાશ રાજે પણ ટ્વિટ કરીને ભાજપને કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે, ‘મને લાગે છે કે તેમણે પ્રયત્ન કર્યો, પરંતુ તેમને ખ્યાલ આવી ગયો હશે કે તેઓ એટલા અમીર નથી કે મને ખરીદી શકે… તમે શું વિચારો છો મિત્રો’.
પ્રકાશ રાજના ટ્વિટ પર લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યૂઝર્સે પૂછ્યું કે, શું તેમણે પ્રયાસ કર્યો હતો? તો અન્ય યુઝરે લખ્યું- સર સમયનું કંઈ ન કહેવાય, કાલે કદાચ તમે પણ પાર્ટીમાં સામેલ થઈ જાઓ. વર્ષોથી ભાજપની નીતિઓ સામે અવાજ ઉઠાવતા અનેક નેતાઓ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અનેક મોટા ઝટકા લાગી ચૂક્યા છે. તાજેતરમાં બોક્સર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી નેતા વિનોદ તાવડેએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા. તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ 2019માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને રમેશ બિધુડી સામે હારી ગયા હતા.