Image Source: Twitter
Lok Sabha Election 2024: ભારતીય રાજકારણમાં બે બેઠકો પરથી ચૂંટણી લડવાનું ચલણ નવું નથી. ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને નરેન્દ્ર મોદી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વખતે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ વખતે તેમનું બે બેઠકો પર ચૂંટણી લડવું વિવાદમાં પડી ગયુ છે. કેરળમાં તેમના રાજકીય વિરોધીઓએ શરૂઆતથી જ તેમની બે બેઠકો પર ચૂંટણી લડવાને મુદ્દો બનાવ્યો છે. પરંતુ હવે જ્યારે રાયબરેલીથી તેમનું નામ ફાઈનલ થઈ ગયુ છે ત્યારે તેમની વિરુદ્ધ નિવેદનો ચરમ પર પહોંચી ગયા છે.
કાલ સુધી એ ચર્ચા હતી કે, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે કે, રાયબરેલીથી? અથવા તેઓ યુપીથી ચૂંટણી લડશ કે નહીં? તમામ અટકળો વચ્ચે એ ધ્યાન બહાર થઈ ગયુ કે, માત્ર એક અઠવાડિયા પહેલા જ તેઓ વાયનાડથી નસીબ અજમાવીને પરત ફર્યા હતા. અને જો તેઓ યુપીમાં ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો પરથી ચૂંટણી લડશે તો વાયનાડના લોકો શું વિચારશે?
હવે જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે કેરળમાં તેમના રાજકીય વિરોધીઓએ તેમના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધુ છે. વિરોધીઓએ રાહુલ ગાંધી પર વાયનાડ અને કેરળની જનતાને દગો આપવાનો અને તેમની સામે જૂઠુ બોલવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીને એમ પણ પૂછવામાં આવી રહ્યું છે કે, જો તેઓ બંને બેઠકો પર જીત હાંસલ કરશે તો તેઓ કઈ બેઠક પરથી રાજીનામું આપી દેશે?
જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો રાહુલ ગાંધીની ઉમેદવારીને અલગ જ લેવલ પર લઈ ગયા છે. તેમણે પોતાની ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા માત્ર એટલું જ લખ્યું કે, ‘ડરો મત…ભાગો મત’.
થોડાક મત માટે વાયનાડ સાથે દગો કેમ?
રાયબરેલીથી રાહુલ ગાંધીના ચૂંટણી લડવા અંગે સૌથી વધુ નારાજ વાયનાડથી લેફ્ટના ઉમેદવાર એની રાજા છે. તેમણે કહ્યું કે ચૂંટણી કાયદામાં એ જરૂર છે કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. પરંતુ રાહુલ ગાંધીએ વાયનાડના લોકોને એ જણાવવાનું હતું કે તેઓ બીજી બેઠક પરથી પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કારણ કે તેમની બે બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ અગાઉથી જ ચાલી રહી હશે. તેમણે વાયનાડના વોટરોને હળવાશથી લીધા છે અને તેમને ભ્રમમાં રાખ્યા છે. તેમણે કહ્યું કે, ન તો રાહુલ ગાંધીએ કે ન તો કોંગ્રેસ પાર્ટીએ રાજકીય નૈતિકતાનું પાલન કર્યું છે. પહેલા તેઓ અમેઠીને પોતાનો પરિવાર ગણાવે છે ત્યારબાદ વાયનાડને પોતાનો પરિવાર કહે છે. અને હવે તેઓ રાયબરેલીને પોતાનો પરિવાર કહેશે!
કેરળ ભાજપ પ્રમુખ અને વાયનાડથી ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રને રાહુલ ગાંધી પર ત્યાંનાં વોટરોને જૂઠુ બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેમનું ડબલ સ્ટેન્ડર્ડ છે અને આ સાથે જ એ પણ પૂછી લીધુ કે, જો રાહુલ ગાંધી બંને બેઠકો પર જીત હાંસલ કરી લેશે તો કઈ બેઠક પરથી રાજીનામું આપી દેશે? હવે આટલું તો તેમણે જણાવી જ દેવું જોઈએ.
વાયનાડમાં રિસ્ક એટલે રાયબરેલીમાં ફિક્સ
નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લઈને સોનિયા ગાંધી પર પ્રહાર કર્યો અને કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને એ પણ સંસદમાં કહ્યું હતું કે, તેમના સૌથી મોટા નેતા ચૂંટણી લડવાની હિંમત નહીં કરે. અને તેએ રાજસ્થાન ભાગી ગયા અને ત્યાં રાજ્યસભામાં જોડાઈ ગયા. મેં પહેલા જ જણાવી દીધુ હતું કે શહજાદે (રાહુલ ગાંધી) વાયનાડમાં હારી જવાના છે. એટલા માટે વાયનાડમાં મતદાન થતાંની સાથે જ તેઓ બીજી બેઠક શોધવાનું શરૂ કરશે. અને હવે બીજી બેઠક પર પણ તેમના તમામ ચેલા કહી રહ્યા હતા કે તેઓ અમેઠી આવશે, અમેઠી આવશે. પરંતુ તેઓ અમેઠીથી એટલા ડરી ગયા કે ત્યાંથી ભાગ્યા બાદ હવે તેઓ રાયબરેલીમાં રસ્તો શોધી રહ્યા છે. આ લોકો ફરી ફરીને કહી રહ્યા છે કે, ડરશો નહીં. હું આજે તેમને કહું છું કે, ‘અરે ડરો મત.. ભાગો મત..’