Image: Facebook

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024 માટે મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. તે બાદ ગુરુવારે ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન બંનેએ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં થનારા વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલા ભારતીય ખેલાડીઓ પર ચર્ચા કરી. અગરકરે જણાવ્યું કે હાર્દિકના બદલે કોઈ અન્યને વાઈસ-કેપ્ટનશિપ સોંપવી અઘરી છે. તે લાંબા બ્રેક બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે અને સારુ પ્રદર્શન કરી રહ્યો છે.

હાર્દિક જ ફરી વાઇસ કેપ્ટન કેમ?

અગરકરે કહ્યું, ‘વાઈસ કેપ્ટનને લઈને કોઈ વાતચીત થઈ નથી. હાર્દિક એક ક્રિકેટર તરીકે શું-શું કરી શકે છે, તે આપણે સૌ જાણીએ છીએ. તેને રિપ્લેસ કરવો અઘરો છે. તે કેપ્ટનને પણ ખૂબ વિકલ્પ આપે છે અને તે લાંબા બ્રેક બાદ પાછો આવી રહ્યો છે. તેના માટે કોઈ રિપ્લેસમેન્ટ નથી. જે તે કરી શકે છે તે શાનદાર છે. તે એક લાંબા બ્રેક બાદ ટીમમાં આવી રહ્યો છે. અમને આશા છે કે તે પોતાની ઈજા અને ફોર્મ પર કામ કરી રહ્યો છે. ખાસ કરીને જે રીતે તે બોલિંગ કરે છે. તે કેપ્ટન રોહિતને ખૂબ સંતુલન અને વિકલ્પ આપશે.’

આગામી વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 સભ્યની ટીમમાં અક્ષર પટેલને પણ સામેલ કરવામાં આવ્યો છે જ્યારે રવિચંદ્રન અશ્વિનને ડ્રોપ કરી દેવાયો. જેની પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચર્ચા કરી. તેણે જણાવ્યું કે લાંબા સમયથી અશ્વિને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી. અક્ષર પટેલ આ ફોર્મમાં દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. IPLમાં પણ તે જોરદાર ફોર્મમાં નજર આવી રહ્યો છે. આ દરમિયાન હિટમેને જણાવ્યું કે વોશિંગ્ટન સુંદરને કેમ સ્થાન મળ્યું નહીં. 

રોહિતે કહ્યું, અમે ઓફ સ્પિનરને લઈને પણ ચર્ચા કરી. સુંદરે હાલ વધુ ક્રિકેટ રમી નથી. તેને વધુ તક મળી નથી. તે બાદ કોમ્પિટીશન અશ્વિન અને અક્ષર પટેલની વચ્ચે હતી. તો અમે વિચાર્યું કે બે ડાબા હાથના સ્પિનર જે છેલ્લા ઘણા સમયથી સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. અશ્વિને છેલ્લા અમુક સમયથી આ ફોર્મમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી. અક્ષર સારા ફોર્મમાં છે. વનડે વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી20 સિરીઝથી અક્ષરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. તે સારી બોલિંગ કરી રહ્યો છે. આ તમામે અમને અક્ષરને પસંદ કરવા મજબૂર કર્યા. જો અમારે મિડલ ઓર્ડરમાં કોઈ ડાબા હાથના બેટ્સમેનને મોકલવો હોય તો પણ અમે અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ. અક્ષરને ઘણો અનુભવ પણ છે, તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે’.

કેએલ રાહુલને કેમ તક મળી નહીં

વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવેલી સ્કવોડમાં કેએલ રાહુલનું ના હોવુ ચાહકો માટે એક ઝટકો છે. દરેક તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે. આ પર પણ ભારતીય કેપ્ટને પોતાની વાત મૂકી. તેણે જણાવ્યું કે કેએલ રાહુલના સ્થાને પંત અને સેમસન પર વિશ્વાસ કેમ મૂકવામાં આવ્યો.

રોહિતે કહ્યું, રાહુલ એક શાનદાર ખેલાડી છે. અમે મધ્યક્રમમાં બેટિંગ કરનાર ખેલાડીઓને જોઈ રહ્યા હતા અને તે આઈપીએલમાં ઓપનિંગ કરી રહ્યો હતો. રિષભ પંત મધ્યક્રમમાં બેટિંગ કરી રહ્યો હતો. તે નંબર પાંચ પર બેટિંગ કરે છે. સેમસન પણ ડાઉન ધ ઓર્ડર બેટિંગ કરી શકે છે.અમે આ વિચાર સાથે જવાનું વિચાર્યું. અમે ખેલાડીઓ કરતા ખાલી સ્થાનને ભરવાનું વિચાર્યું. જે સ્લોટ ખાલી હતો, તેમાં ખેલાડીઓને સેટ કર્યાં. અમે એવા ખેલાડી શોધી રહ્યાં હતાં જે ઈનિંગના અંતમાં વધુથી વધુ રન કરી શકે.

પ્લેઈંગ 11 પર ભારતીય કેપ્ટને કરી ચર્ચા

રોહિત શર્માએ પ્લેઈંગ 11 ને લઈને પણ ચર્ચા કરી. તેણે જણાવ્યું કે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની પિચને સમજ્યા બાદ 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. ‘તમામ વિકલ્પ ખુલ્લાં છે. અમે બસ વેસ્ટઈન્ડિઝ જઈશુ અને ત્યાંની સ્થિતિને જોઈને પ્લેઈંગ-11 વિશે વિચારીશું. પિચ વિશે અમને વધુ ખબર નથી. અમે પહેલા ન્યૂયોર્કમાં રમ્યા નથી તો અમને ખબર નથી કે પિચ કેવી હશે. અમે વેસ્ટઈન્ડિઝમાં રમ્યા છીએ પરંતુ ત્યાં પણ અમે અલગ-અલગ સ્થળ પર રમીશું. તો પહેલા પિચ કેવી હશે તે જાણવું પડશે અને પછી ટીમ કોમ્બિનેશન વિશે વિચારવામાં આવશે’.

વચ્ચેની ઓવરમાં દમદાર બેટિંગમાં માહિર શિવમ- રોહિત શર્મા

આ દરમિયાન રોહિતે શિવમ દુબેની પસંદગીનું કારણ પણ જણાવ્યું. તેણે જણાવ્યું કે ‘દુબે વચ્ચેની ઓવરમાં આવીને તાબડતોડ બેટિંગ કરવામાં માહિર છે. તે કોઈ પણ બોલર સામે નિડરતાથી બેટિંગ કરે છે અને જે ભારતીય ટીમ માટે એક સુખદ સંકેત છે. એક બાબત પર અમે ધ્યાન આપ્યુ તે છે મધ્યક્રમમાં વધુથી વધુ હિટર્સ વિશે. ટોપ ઓર્ડરમાં અમારા બેટ્સમેન છે જે હિટ કરી શકે છે. પરંતુ અમે વચ્ચેની ઓવરમાં એવો ખેલાડી ઈચ્છતા હતા જે આવે અને કોઈ ડર વિના શોટ મારે. એ વિશે અમે વધુ વિચાર્યું નથી કે તે બોલિંગ કરે છે કે નહીં. શિવમ દુબેની પસંદગી આ કારણે થઈ છે’.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *