Image Source: Twitter
MI vs KKR Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે IPL 2024ની 51મી મેચમાં મળેલી હારનું ઠીકરું બેટ્સમેનો પર ફોડ્યું છે. 170 રનના ટાર્ગેટનો સામે મુંબઈ ઈન્ડિયન્સ 18.5 ઓવરમાં 145 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પંડ્યાનું કહેવું છે કે, બીજી ઈનિંગમાં વિકેટ બેટિંગ માટે સરળ બની ગઈ હતી અને તેમ છતાં તેમના બેટ્સમેનો પાર્ટનરશિપ ન કરી શક્યા અને સતત વિકેટ ગુમાવતા રહ્યા, જે ટીમની હારનું કારણ બન્યું. સૂર્યકુમાર યાદવ સિવાય કોઈ પણ બેટ્સમેન MI માટે 20 બોલથી વધુ નહોતો રમી શક્યો.
પાર્ટનરશિપ ન કરી શક્યા અને સતત વિકેટ ગુમાવતા રહ્યા
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે, અમે બેટિંગ દરમિયાન પાર્ટનરશિપ ન કરી શક્યા અને સતત વિકેટ ગુમાવતા રહ્યા. એવા ઘણા સવાલો છે જેના જવાબ મળવામાં સમય લાગશે. પરંતુ અત્યારે કહેવા માટે કંઈ નથી. આ ટ્રેક પર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જો મારી ભૂલ ન હોય તો બીજી ઈનિંગમાં ઝાકળ પડ્યુ હતું જે બેટિંગ માટે સારું હતું.
તેણે આગળ કહ્યું કે, રમત જોઈશું અને અમે શું શ્રેષ્ઠ કરી શકીએ છીએ તેના પર ધ્યાન આપીશું. તમે લડતા રહો, હું ખુદને પણ આ જ કહેતો રહું છું. આ પડકાર છે પરંતુ તમે પડકાર સ્વીકાર કરો છો.
કેવી રહી MI vs KKR મેચ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ અય્યર (70)ની અડધી સદીની મદદથી 19.5 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. 6ઠ્ઠી વિકેટ માટે મનીષ પાંડે સાથે અય્યરની 83 રનોની ભાગીદારી ટીમ માટે ઘણી ઉપયોગી નીવડી હતી. આ સ્કોરનો પીછો કરવા મોદાનમાં ઉતરેલી MIની શરૂઆત સારી નહોતી રહી. ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. જોકે, આન્દ્રે રસેલના બોલ પર મોટો શોટ લગાવવાના ચક્કરમાં યાદવે પોતાની વિકેટ ગુમાવી દીધી અને MI 18.5 ઓવરમાં 145 રનમાં સમેટાઈ ગઈ. KKRએ આ મેચ 24 રને જીતી લીધી હતી.