– દેશ અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે : આ મહા વિનાશક કુદરતી આફત છે : પ્રમુખ કાસીમ ટોકાયેવ
આસ્થાના : મધ્ય એશિયાનાં સૌથી વિશાળ રાજ્ય અને રશિયાએ સ્થાપેલા કોમન વેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસ (સીઆઈએસ)નાં અગ્રીમ સભ્ય કાઝાખસ્તાનમાં પૂરોએ તબાહી વેરી નાખી છે.
મધ્ય એશિયાનાં આ રાષ્ટ્રની નદીઓ ઉત્તર ધુ્રવના ધુ્રવ સાગરમાં મળે છે. તેના મુખ પ્રદેશો અને ઉત્તરના પ્રવાહો હજી હિમાચ્છાદિત હોય છે. જયારે તે નદીઓના દક્ષિણના ભાગોમાં અનર્ગત પાણી વહેતું હોય છે. તેમાં વરસાદ પડે ત્યારે તે નદીઓ બે કાંઠે વહે છે. પરંતુ આગળ પ્રવાહ બરફને લીધે ન જઈ શકતાં તે પાણી પાછું ફરતાં ખાસ કરીને દેશના ઉત્તરના વિસ્તારોમાં ફરી વળે છે. તેમાં આ વર્ષે ત્યાં ભારે વરસાદ થતાં દેશનો ઉત્તરનો ભાગ તો જળબંબાકાર બની રહ્યો છે. દેશમાં આપત્તિ કાલીન પરિસ્થિતિ જાહેર કરાઈ છે.
પ્રમુખ કાસીમ જો માર્ટ ટોકાયેવે કહ્યું હતું કે, અમારા દેશના લોકો અભૂતપૂર્વ કઠોર પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. અલપત-ટાસ્કીન (ભયંકર પૂરો)ની તે આપત્તિ છે. આ સાથે કાઝાખ નેતાગણે આંતરરાષ્ટ્રીય સહાય પણ માગી છે. ઉપરના ભાગમાં તો તેનો ઘઉંનો, ચણાનો, કપાસ અને જવનો ઉભો પાક નાશ પામ્યો છે.
ટોકાયેવે રાષ્ટ્રીય સંસદમાં સાંસદોને પૂરની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી પણ આપી હતી. તે સાથે કાઝાખસ્તાન અંગે વિદેશી પશ્ચિમી સત્તાઓ દ્વારા દેશ માટે કરાતા મિથ્યા પ્રચાર સામે પણ ચેતવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અખંડ સોવિયેત સંઘના સમયથી ભારતને કાઝાખસ્તાન સાથે ઘણા સારા સંબંધો છે સોવિયેત સંઘના વિસર્જન પછી તે રશિયાએ સ્થાપેલા કોમન વેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસનું તે સભ્ય છે. તે પશ્ચિમનું ભારે વિરોધી છે. ટોકાયેવે, રાષ્ટ્રીય સંસદમાં પૂર અંગે માહિતી આપ્યા પછી, કહ્યું હતું કે, આપણી વિરુદ્ધ કેટલાક દેશો ગંભીર અને ખોટા પ્રચારો કરી રહ્યા છે. તેનાથી દૂર રહેજો કારણ કે, તે આપણા દેશની શાંતિ અને સ્થિરતા માટે ખતરા સમાન છે.