Image : Pixabay
US Firing News | અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. નોર્થ કેરોલિનામાં વોન્ટેડ ક્રિમિનલ્સને પકડવા માટે વોરંટ બજાવવા ગયેલા પોલીસ અધિકારીઓ પર અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી જેમાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ તમામ પોલીસ અધિકારીઓ હથિયાર રાખવાના આરોપમાં વોન્ટેડ ગુનેગારનું વોરંટ બજાવવા ગયા હતા.
એક હુમલાખોર પણ ઠાર માર્યો
ચાર્લોટ-મેક્લેનબર્ગ પોલીસના વડા જોની જેનિંગ્સે જણાવ્યું હતું કે જ્યારે અમેરિકાની માર્શલ્સ ટાસ્ક ફોર્સના અધિકારીઓ વોરંટ સાથે શંકાસ્પદના ઘરે પહોંચ્યા ત્યારે આ ગોળીબારની ઘટના બની હતી. ઘટનામાં ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ તેમને બચાવવા પહોંચ્યા ત્યારે બીજા શંકાસ્પદ હુમલાખોરે તેમના પર પણ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ અધિકારીઓનાં મોત થયા. પોલીસે એક હુમલાખોરને પણ ઠાર માર્યો હતો.
પોલીસ વડાએ આપ્યું નિવેદન
પોલીસ વડાએ કહ્યું કે આજે અમે કેટલાક નાયકોને ગુમાવી દીધા. જેનિંગ્સે કહ્યું કે ગોળીબારની ઘટના બાદ ઘરમાં એક મહિલા અને 17 વર્ષીય એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમેરિકન માર્શલ્સ સર્વિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં એક ભાગેડુ ગુનેગારને પકડવા માટેના ઓપરેશન દરમિયાન ડેપ્યુટી યુએસ માર્શલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અન્ય કેટલાક માર્શલ્સ સર્વિસ ટાસ્ક ફોર્સના સભ્યો અને સ્થાનિક અધિકારીઓને પણ ગોળી મારી દેવામાં આવી હતી.