ભારતનાં મૃત્યુ પામેલા બિઝનેસમેનના 

રાજકોટનાં યુવાન સાથે રૂા.૧૬.૧૫ લાખની છેતરપિંડી, સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: અમેરીકાની બેંકમાં ભારતના બીઝનેસમેનના ૭૮ લાખ ડોલર જમા છે. તેના કોઈ વાલી વારસ નથી તેમ જણાવી  વારસદાર બનાવવાના નામે રાજકોટનાં યુવાન સાથે રૂા. ૧૬.૧૫ લાખની ઠગાઈ થયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

કોઠારીયા મેઈન રોડ પરનાં મોરારીનગર શેરી નંબર ૫માં રહેતા અને ઓનલાઈન ટ્રેડીંગનું કામ કરતા નિલેશભાઈ વલ્લબભાઈ પાધરા (ઉ.વ.૪૦)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. ૨૪.૭.૨૦૨૩નાં રોજ તેને નતાશા મિત્રા નામના ફેસબુક પ્રોફાઈલમાંથી આઈ એક્સેપ્ટેડ યોર રીકવેસ્ટ -મેસેજ. આઈ ફીલ, આઈ લાઈક યુ, આઈ હેવ સમથીંગ સ્પેશીયલ ફોર યુ, સેન્ડ  ઈન્ટરેસ્ટેડ ટુ માય ઈમેલ આઈડી. આ પ્રકારનો મેસેજ આવતા તેણે પોતાના ઈમેલ આઈડીમાંથી વાતચીત કરી હતી. 

તે વખતે સામેથી પોતાનું નામ સીન્થીયા જણાવી અને કહ્યું કે, તે અમેરીકામાં એનવાયસીબી બેંકમાં ચીફ એડમીન ઓફીસર છે. ત્યારબાદ પોતાનાં બેંકનું ઓળખ કાર્ડ અને બેંક સર્ટીફીકેટ મોકલ્યા હતાં. સાથોસાથ  એક મેસેજ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ભારતનાં એક બીઝનેસમેન મૃત્યું પામ્યા છે, તેના નામથી ૭૫ લાખ ડોલરની એફડી છે, તેમાં વ્યાજ સહીત હાલ ૭૮.૭૫ લાખ ડોલર જમા છે, તેના કોઈ વાલી વારસ નથી, જો તમે વાલી વારસ બની જાવ તો તમને તે બાબતનાં તમામ સર્ટીફીકેટો હું અહીંથી રજુ કરીશ, આ સોદામાં જે રકમ મળશે તેમાંથી ૬૦ ટકા રકમ મારી અને બાકીનાં ૪૦ ટકા તમને આપીશ તેવી લાલચ આપી હતી.

તે સાથે જ તેના ઈ-મેલમાં એનવાયસીબી બેંકનું તેના નામનું વારસદારનું સર્ટીફીકેટ મોકલ્યું હતું. એટલું જ નહીં તેને બેંકમાંથી મેલ આવવાના શરૂ થયા હતાં. જેમાં એમ પણ જણાવાયું હતું કે, જે બીઝનેશમેન મૃત્યું પામ્યા છે. તેનું બેંક ખાતુ બંધ થઈ ગયું છે. જે ચાલુ કરવવા માંટે અને આ બાબતે નોટરાઈઝ કરવા માંટે વકીલ રાખવો પડશે. જેથી તમારે રૂપીયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. 

જેથી તેણે જે બેંક એકાઉન્ટ નંબર અપાયા તેમાં કટકે કટકે રકમ જમા કરાવી હતી. ત્યારબાદ બીજા ડોક્યુમેન્ટ તૈયાર કરવા માંટે વધુ રૂા.૨૦ લાખની માંગણી  થતા તેને શંકા ગઈ હતી. જેથી સીઆઈડી ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ઓનલાઈન અરજી કરી હતી. જેના આધારે ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તરીકે નતાશા મિત્રા નામની ફેસબુક પ્રોફાઈલ લીંક ધારક, અન્ય ઈ-મેઈલ ધારકો ઉપરાંત જે બેંક ખાતામાં રકમ જમા થઈ તેના ધારકોને મુકવામાં આવ્યાછે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *