સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ
નક્કી થયા મુજબ ૨૨ સભ્યો હરિદ્વાર પહોંચ્યા તે વખતે જાણ થઈ કે, કોઈ પેકેજનું બુકીંગ થયું નથી
રાજકોટ: ગોંડલ રોડ પરની ગુરૂપ્રસાદ સોસાયટીમાં બ્લોક નંબર-૬માં રહેતા સિંચાઈ ખાતાના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર પ્રદિપભાઈ ઉપેન્દ્રભાઈ રાવલ (ઉ.વ.૬૨)એ ઓનલાઈન ચારધામ યાત્રાનું બુકીંગ કરાવતા રૂા. ૬.૬૬ લાખની છેતરપીંડી થયાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં પ્રદિપભાઈએ જણાવ્યું છે કે, ગઈ તા.૧૯.૬.૨૦૨૩નાં રોજ ઘરે હતા ત્યારે ચારધામની યાત્રાએ જવાનું નક્કી થતા પેકેજ માંટે ઓનલાઈન સર્ચ કર્યું હતું. તે વખતે અતિથી ટ્રીપ હોલીડેઝ નામની કંપનીની વેબસાઈટ જોવા મળી હતી. તેમાં દર્શાવેલા પ્રવિણ શર્માના મોબાઈલ પર સંપર્ક કરતાં વ્યક્તિ દીઠ રૂા. ૩૦ હજારની ફી કહી હતી. પરીવારના અને મિત્ર સર્કલનાં કુલ ૨૬ સભ્યો માંટે રૂા. ૭.૮૦ લાખ જણાવ્યા હતાં.
એટલું જ નહિ એડવાન્સ પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અવાર નવાર મોબાઈલ પર વાતચીત થઈ હતી. જેથી વિશ્વાસ આવી જતાં પોતનાં બેંક એકાઉન્ટમાંથી કુલ રૂા. ૬.૬૬ લાખ જમા કરાવ્યા હતાં. ત્યારબાદ ગૃપ સર્કલમાંથી ૨૬ સભ્યોની બદલે ૨૨ સભ્યોએ જવાનું નક્કી કર્યું હતું. જેથી સામાવાળાઓને તા.૨૧.૯.૨૦૨૩થી લઈ તા.૧૦.૧૦.૨૦૨૩નું પેકેજ આપવાનું જણાવ્યું હતું.
નક્કી થયા મુજબ ૨૧.૯.૨૦૨૩નાં રોજ બધા સભ્યો હરિદ્વાર પહોંચતા જાણવા મળ્યું કે, કોઈ પેકેજ બુકીંગ થયું નથી. એટલું જ નહી સામાવાળાઓને કોલ કરતા મોબાઈલ સ્વીચ ઓફ મળ્યા હતાં. જેથી ત્યાંના કનખલ પોલીસ મથકમાં જાણ કર્યા બાદ રાજકોટ આવી સીઆઈડી ક્રાઈમનાં હેલ્પલાઈન નંબર ઉપર ઓનલાઈન અરજી કરી હતી. જેના આધારે ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તરીકે પ્રવિણ શર્મા નામ આપનાર અને જે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી તેના ધારકને દર્શાવાયા છે.