ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
એ-ડિવિઝન પોલીસે સોની બજારના વેપારીને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી
રાજકોટ: વાણીયાવાડી શેરી નં.૩માં સુરભી એપાર્ટમેન્ટની બી-વીંગમાં રહેતાં અને સોનાના દાગીના બનાવડાવી વેચવાનું કામ કરતાં ચેતનભાઈ અરવિંદભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.પ૬)નું રૂા.ર૬.૭૮ લાખનું સોનું આરોપી પ્રવિણ રવજી અકબરી (રહે. પુષ્કરધામ સોસાયટી, ઓમ એપાર્ટમેન્ટ) ઓળવી ગયાની અને ધાકધમકી આપ્યાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં ચેતનભાઈએ જણાવ્યું છે કે અગાઉ સોની વેપારીઓની ઓફિસ સંભાળવાનું અને મજૂરીથી સોની કામ કરવાનું કામ કરતા હતા. ૯ મહિનાથી ઘરે જ બજારમાંથી થોડુ થોડુ ફાઈન સોનું ખરીદી, ઘરેણાં બનાવી વેપારીઓને વેચવાનું શરૂ કર્યું હતું. નવેક માસ પહેલાં તેના પુત્ર ચિરાગના મિત્ર નિલેશ જોટાંગીયાએ જણાવ્યું કે તે જયાં નોકરી કરે છે તે શેઠ પ્રવિણભાઈ પણ સોનાના દાગીના ખરીદી કરવાનું કામ કરે છે. જો તમારે તેને દાગીના વેચવા હોય તો સંપર્ક કરાવી આપું. જેથી હા પાડતા પ્રવિણભાઈનો સંપર્ક કરાવી આપ્યો હતો. જેને કારણે તેને સોની બજારના માંડવી ચોકમાં પલ્લવ પ્લાઝા ચેમ્બરમાં આવેલી માનસી ગોલ્ડ નામની ઓફિસે મળ્યા હતા.
તે વખતે પ્રવિણભાઈએ કહ્યું કે તે ગ્રાહકના ઓર્ડર લઈ બહારથી દાગીના બનાવડાવે છે. તેની સામે તે દાગીના બનાવનાર વેપારીને દાગીના તેની પાસે જમા કરાવ્યા બાદ દાગીના બનાવનારને ફાઈન ગોલ્ડ આપે છે. જેથી તેની વાત સાથે સંમત થતા છેલ્લા નવેક માસથી સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર લેતા હતા. જે ઓર્ડર પુરો કરી તેની દુકાને દાગીના પરત આપતા હતા. નકકી થયા મુજબ પ્રવિણભાઈ ફાઈન ગોલ્ડ આપતા હતા. આ રીતે બંને પક્ષો વચ્ચે અવાર-નવાર સોનાના દાગીના અને ફાઈન ગોલ્ડની આપ-લે થતી હતી.
હવે તેને પ્રવિણભાઈ પાસેથી રૂા.ર૬.૭૮ લાખનું ફાઈન ગોલ્ડ લેવાનું નીકળતું હતું. જે અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આપ્યું ન હતું. એકાદ મહિના પહેલા પુત્ર સાથે તેની દુકાને ઉઘરાણી કરવા ગયા ત્યારે કહ્યું કે મારે તમને કોઈ સોનું આપવાનું થતું નથી, તમારાથી થાય તે કરી લેજો, ફરીથી સોનું લેવા આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લીધાનું જાણવા મળ્યું છે.