57 વર્ષની વયે ગણવા પડશે જેલના સળીયા

લેટર ઓફ અન્ડરટેકિંગ સર્ટીફિકેટ આપવા બદલ લાંચ લેતા જ એસીબીના છટકામાં સપડાઈ ગયો

જૂનાગઢ: જૂનાગઢમાં સરદારબાગમાં આવેલી જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનરે લેટર ઓફ અન્ડરટેકિંગ સર્ટીફિકેટ માટે ૧ર હજારની લાંચ માંગી હતી. આ અંગે એસીબીને જાણ કરવામાં આવતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. પ૭ વર્ષીય આસિ. કમિશનરે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના સ્ટાફે રંગે હાથ પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ૧ર હજારની લાંચ લેતા પકડાયેલા આસિ. કમિશનરે પ૭ વર્ષની વયે જેલના સળીયા ગણવાનો વારો આવશે.

જૂનાગઢમાં રહેતા એક જાગૃત નાગરિકને જીએસટી કચેરીમાંથી લેટર અન્ડરટેકિંગ સર્ટીફિકેટની જરૂરીયાત હોવાથી કચેરીમાં સંપર્ક કર્યો હતો. જ્યાં કચેરીના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભ ભીખાભાઈ પટેલીયાએ સર્ટીફિકેટના બદલામાં ૧ર હજાર રૂપીયાની લાંચ માંગી હતી. જાગૃત નાગરિકને લાંચની રકમ આપવી ન હોવાથી તેણે એસીબીને જાણ કરી હતી.

એસીબીના સ્ટાફે આજે છટકુ ગોઠવ્યું હતું. ફરિયાદ કરનાર વ્યક્તિને સમજાવી લેટર અન્ડરટેકિંગ સર્ટીફિકેટના બદલામાં લાંચની રકમ આપવા કહ્યું હતું. આ વ્યક્તિ પાસેથી જીએસટી કચેરીના આસિ. કમિશનર વલ્લભ પટેલીયાએ કચેરીમાં જ ૧ર હજારની રકમ સ્વીકારી હતી. આ સાથે જ એસીબી પીઆઈ જે.બી. કરમુર સહિતના સ્ટાફે વલ્લભ પટેલીયાને લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો. એસીબીની આ કાર્યવાહીથી કચેરીમાં દોડધામ થઈ ગઈ હતી. એસીબીએ ૧ર હજાર રૂપીયા રિકવર કરી વલ્લભ પટેલીયાની પુછપરછ શરૂ કરી હતી. તેના નિવાસ સ્થાને પણ સર્ચ શરૂ કર્યું હતું.

વલ્લભ પટેલીયાની વય પ૭ વર્ષની છે. નિવૃતીને હવે થોડો સમય જ બાકી છે ત્યારે એસીબીની ઝપટમાં આવી જતા આ ઉંમરે જેલના સળીયા ગણવા પડશે. એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *