Shahrukh Khan: કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાને પોતાની ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે. કિંગ ખાને કહ્યું કે મારી અંગત ઈચ્છા છે કે રિંકુ ભારતીય ટીમનો હિસ્સો બને. આ સાથે જ તેણે કહ્યું કે, તે રિંકુ જેવા ખેલાડીઓમાં ખુદને જુએ છે અને તેમને આગળ વધતા જોઈને ખૂબ જ ખુશી થાય છે.
રિંકુને T20 વર્લ્ડકપનો હિસ્સો બનાવવો જોઈએ
આગામી વર્લ્ડ કપ માટે એક-બે દિવસમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં ચારેય બાજુ ખેલાડીઓની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે. એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન શાહરૂખે કહ્યું કે, દેશ માટે કેટલા અદભૂત ખેલાડીઓ રમી રહ્યા છે. હું ઇચ્છું છું કે રિંકુ વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બને અને તેના સિવાય આ સિઝનમાં સારું પ્રદર્શન કરી રહેલા અન્ય યુવા ખેલાડીઓને પણ તક મળવી જોઈએ.
શાહરૂખ ખાને કહ્યું કે, ‘ઘણા એવા ખેલાડીઓ છે જે ટીમમાં સ્થાન મેળવવાના દાવેદાર છે પરંતુ મારી વ્યક્તિગત ઈચ્છા એ જ છે કે, રિંકુ ટીમનો હિસ્સો બને અને તે મારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ હશે.’
કિંગ ખાને રિંકુ અને નીતિશ રાણાના વખાણ કર્યા
શાહરૂખ ખાને આગળ કહ્યું કે, હું તેમને ખુશ જોવા માંગુ છું. જ્યારે હું આ છોકરાઓને રમતા જોઉં છું ત્યારે મને લાગે છે કે હું તેમનામાં એક ખેલાડી તરીકે જીવી રહ્યો છું. ખાસ કરીને રિંકુ અને નીતિશ જેવા ખેલાડીઓમાં હું મારી જાતને જોઉં છું. જ્યારે તેઓ સારું પ્રદર્શન કરે છે ત્યારે ખૂબ ખુશી થાય છે.