રાજકોટ નજીકના લીલી સાજડીયાળી ગામે દરોડો
બે શ્રમિકોની ધરપકડ કરી રૂા.ર૭.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે, દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ
રાજકોટ: રાજકોટ નજીકના લીલી સાજડીયાળી ગામે ગઈકાલે રાત્રે ઘઉંના જથ્થાની આડમાં અંગ્રેજી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂા.૧૪.૧૪ લાખના અંગ્રેજી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શ્રમિકોને ઝડપી લઈ દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયાએ ચોકકસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે લીલી સાજડીયાળી ગામના આલાસર સીમ તરીકે ઓળખાતા ખરાબા વિસ્તારમાં દરોડો પાડયો ત્યારે ઘઉંના જથ્થાની આડમાં અંગ્રેજી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું.
સ્થળ પરથી ક્રાઈમ બ્રાંચે રૂા.૧૪.૧૪ લાખની કિંમતનો અંગ્રેજી દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કરી લીલી સાજડીયાળી ગામે જ રહેતા બે શ્રમિકો પરશોતમ પરબત મકવાણા અને પ્રકાશ ડાયાભાઈ રાઠોડને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ટ્રક, સ્વીફટ કાર, બાઈક, મોબાઈલ ફોન, ૯૦ બાચકા ઘઉં, બનાવટી બીલ્ટી, ઈન્વોઈસ અને ઈ-વે બીલના કાગળો વગેરે મળી કુલ રૂા.ર૭.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે બંને શ્રમિકોની પુછપરછમાં દારૂ મંગાવનાર તરીકે લીલી સાજડીયાળીના લાખાભાઈ સંગ્રામભાઈ ઘીયડનું નામ ખુલ્યું છે. તેને ઉપરાંત દારૂ મોકલનાર તથા વાહનોના ચાલકોને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. દારૂનો જથ્થો ખરેખર કયાંથી આવ્યો હતો તે વિશે ક્રાઈમ બ્રાંચને કોઈ ચોકકસ માહિતી મળી નથી.