Image Source: Twitter

Anti Israel Protest in American Universities: અમેરિકાની 30 યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસે અત્યાર સુધીમાં 900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તાજેતરનો મામલો હાર્વર્ડ યુનિવર્સિટીનો છે. અહીં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ જોન હાર્વર્ડની પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવ્યો હતો. આ પહેલા પ્રતિમા પર અમેરિકન ધ્વજ લગાવવામાં આવેલો હતો.

900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

ઈઝરાયેલના નરસંહાર વિરુદ્ધ અમેરિકાની કોલંબિયા, ઈન્ડિયાના, એરિઝોના સ્ટેટ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં 900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પહેલા સદર્ન કેલિફોર્નિયા કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓએ ટેન્ટ લગાવીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આવી જ એક રેલીનું આયોજન હાવર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શનમાં માત્ર આઈડી હોલ્ડર વિદ્યાર્થીઓને જ ભાગ લેવાની મંજૂરી મળી હતી.

કાયમી યુદ્ધવિરામની માગ 

અમેરિકામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ ગાઝામાં કાયમી યુદ્ધવિરામની માગ કરી છે. આ સાથે જ તેમણે અમેરિકા દ્વારા ઈઝરાયેલને આપવામાં આવી રહેલી સૈન્ય મદદને રોકવાની પણ માગ કરી હતી. યુનિવર્સિટી પ્રશાસને કાર્યવાહી કરતા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક ગતિવિધિઓમાં સામેલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે. બીજી તરફ અમેરિકાના નીચલા ગૃહના સ્પીકરે પ્રદર્શનકારીઓના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશમાં નેશનલ ગાર્ડ્સને ઉતારવાની સલાહ પણ આપી હતી.

અમેરિકા-ઈઝરાયેલે વિરોધ પ્રદર્શનની કરી નિંદા

વિદ્યાર્થીઓના આ પ્રદર્શનો અંગે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમેરિકાએ આવા પ્રદર્શનોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે વિદ્યાર્થીઓને પેલેસ્ટાઈનની સ્થિતિ વિશે નથી ખબર કે, ત્યાં શું ચાલી રહ્યું છે? 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *