– આ સામે ઇઝરાયેલ તરફી જૂથો પણ સક્રિય બનતાં બંને જૂથો વચ્ચે સંઘર્ષ જાગી ઊઠયો : બાયડેને રફાહ પર હુમલો ન કરવા નેતન્યાહૂને કહ્યું
હાવર્ડ : અમેરિકામાં પેલેસ્ટાઇન તરફી દેખાવો સતત વધી રહ્યા છે. વિશેષત: યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓમાં ઇઝરાયલ વિરુદ્ધ આક્રોશ છે સાથે પેલેસ્ટાઇન તરફી જૂથોએ પેલેસ્ટાઈની ધ્વજ ફરકાવ્યા હતા. કોલંબિયા યુનિવર્સિટીમાંથી શરૃ થયેલા વિદ્યાર્થીઓના તોફાનો સમગ્ર દેશની મોટાભાગની યુનિવર્સિટીઓમાં વ્યાપી ગયા હતા. ગયા શનિ-રવિથી જ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈની ધ્વજો ફરકાવવા શરૃ કરી દીધા હતા. તો તેની સામે ઇઝરાયલ તરફી વિદ્યાર્થીઓ ઇઝરાયલી ધ્વજો ફરકાવવા શરૃ કરી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. વિશ્વ વિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થી જૂથો સામ-સામે આવી ગયા હતા. હાવર્ડમાં તો અમેરિકાના રાષ્ટ્રધ્વજ માટે અનામત રાખેલી દાંડીઓ ઉપર વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈની ધ્વજો ફરકાવી દીધા હતા. તેમાં મુખ્ય ધ્વજ સ્તંભ પણ બાકાત રહ્યો ન હતો.
વોશિંગ્ટનની હોટેલ હીલ્સના સૌથી ઉપરના વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટસ એસોસિએશન ડીનર માટેના ખંડની બારીઓ ઉપર પણ પેલેસ્ટાઈની ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.
પોલીસે આ તોફાનો સંબંધી કુલ ૨૭૫ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેમાં નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના ૧૦૦, સેન્ટ લૂઈ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીના ૮૦, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના ૭૨ અને ઇન્ડીયાની યુનિવર્સિટીના ૨૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ (યુસીએલએ)ના કેમ્પસમાં ઇઝરાયલ તરફી અને પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓ ગત સપ્તાહથી છાવણી નાખી પડયા છે.
પ્રમુખ જો બાયડન સુધી વાત પહોંચતા તેઓએ વિદ્યાર્થીઓને શાંતિમય દેખાવો જ યોજવા અનુરોધ કર્યો છે. તેમ વ્હાઇટ હાઉસનું નિવેદન જણાવે છે. આ વિદ્યાર્થીઓ ઇઝરાયલ – હમાસ વચ્ચે યુદ્ધ વિરામ યોજવા પણ આગ્રહ કરી રહ્યા છે.