Delhi Liquor Scam : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ઈડી દ્વારા થયેલી ધરપકડની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકાર્યા બાદ આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલના સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે પણ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે આજે કોર્ટે કોઈ પણ આદેશ પસાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ઈડીએ લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં PMLA હેઠળ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.

કેજરીવાલે ઈડીના નવ સમન્સની અવગણના કેમ કરી? : સુપ્રીમ કોર્ટ 

ન્યાયાધીશ સંજીવ ખન્નાએ સિંઘવીને પૂછ્યું કે, ઈડીએ કેજરીવાલને નવ વખત સમન્સ મોકલ્યા હતા, તેમણે દર વખતે કેમ ટાળી દીધા? તો સિંઘવીએ કહ્યું કે, જ્યારે સીબીઆઈએ તેમને બોલાવ્યા તો તેઓ ગયા અને ઈડીની નોટિસનો વિસ્તારથી જવાબ આપ્યો હતો. પરંતુ ઈડી એવું ન કહી શકે કે, સમન્સ મોકલવા છતાં તમે ન આવ્યા તેથી ધરપકડ કરવામાં આવી. ઈડીની ઓફિસ ન જવું તેમનો અધિકાર છે. આ મામલે અલગથી કેસ ચાલી રહ્યો છે. આ બાબત ધરપકડનો આધાર અથવા કારણ ન હોઈ શકે. ઈડીએ ધરપકડ કર્યા પહેલા પીએમએલએની કલમ-50 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધ્યું નથી. સંજય સિંહના કેસમાં પણ આવું જ થયું હતું.

તમે કોર્ટમાં જામીન અરજી દાખલ કેમ ન કરી?

ખંડપીઠે કેજરીવાલના આપના વકીલને પૂછ્યું કે, તમે કેમ જામીન અરજી દાખલ ન કરી? જેના જવાબમાં સિંઘવીએ નામાં જવાબ આપ્યો હતો. તો કોર્ટે કહ્યું કે, તેનો અર્થ એ છે કે, તમે ધરપકડ અને રિમાન્ડના વિરુદ્ધમાં છો? પરંતુ તમે અમને જણાવો કે, તમે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કેમ ન કરી? તો સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર હતી, તેથી અમે આ મુદ્દાને જ પડકાર્યો. 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે ઈડીના વકીલને પૂછ્યું કે, PMLA કલમ-19 હેઠળ તેમની ધરપકડ કરવા માટે ઈડી પાસે કયા કારણો હતા?

ઈડીએ કોર્ટમાં શું દલીલ રજુ કરી?

ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ દલીલ કરી કે, કેજરીવાલની પછીની કસ્ટડીના વિરોધમાં કોઈપણ અરજી દાખલ કરવામાં આવી નથી. હાલ તેઓ સાતમી મે સુધી કસ્ટડીમાં છે. ઈડીએ કહ્યું કે, કેજરીવાલના પાંચ વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેઓ 21 માર્ચ અને પહેલી એપ્રિલે ઈડીની કસ્ટડીમાં હતા, ત્યારબાદ ત્રણ વખત જ્યુડિશયલ કસ્ટડીમાં રહ્યા. આમ આદમી પાર્ટીના વકીલે કહ્યું કે, ઈડી જે દસ્તાવેજોની વાત કરી રહી છે, તેની સાથે કેજરીવાલને કોઈ લેવાદેવા નથી.

CBI-EDના 10 ડોક્યુમેન્ટમાં ક્યાંય કેજરીવાલનું નામ નથી 

સિંઘવીએ કહ્યું કે, સીબીઆઈ દ્વારા 18 મહિના પહેલા ઈસીઆઈઆર (Enforcement Case Information Report) રિપોર્ટ દાખલ કરાયો હતો, ત્યારબાદ છેલ્લા 18 મહિનામાં ક્યારે ધરપકડ થઈ નથી. કોર્ટે પૂછ્યું કે, શું સીબીઆઈ કેસમાં કેજરીવાલનું નામ સામેલ છે? તો સિંઘવીએ કહ્યું કે, નથી. સીબીઆઈ અને ઈડીએ લિકર પોલિસી કેસમાં ડિસેમ્બર-2023 સુધીમાં કોર્ટમાં 10 ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા, પરંતુ તેમાંના એકમાં પણ તેમનું (કેજરીવાલ)નું નામ નથી. આ ઉપરાંત રાઘવ મગુંડા, બુચ્ચી બાબૂ, બોઈનપલ્લી, એમ.એસ.રેડ્ડીના નિવેદન પણ નોંધાયા છે, પરંતુ કોઈએ પણ કેજરીવાલ ગુનામાં સામેલ હોવાનું કહ્યું નથી. કોર્ટે બંને પક્ષના નિવેદન સાંભળ્યા બાદ આવતીકાલે ફરી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *