Arvind Kejriwal: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 30 એપ્રિલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તિહાર જેલમાં મુલાકાત કરશે. પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મંગળવાર બપોર બાદ બંનેની મુલાકાત થઈ શકે છે. જેલમાં બંનેની આ બીજી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાન અંગે ચર્ચા થઈ શકે છે. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ, દિલ્હી, ગોવા, ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે કેટલાક સંદેશ આપી શકે છે. સાથે જ ચૂંટણી રણનીતિ પર પણ ચર્ચા કરી શકે છે.
બીજી તરફ તિહાર જેલ તંત્રએ મુખ્યમંત્રી કેજરીવાલના પત્નીને મળવાની મંજુરી ન આપી. કાલે (29 એપ્રિલ) સુનીતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાત થવાની હતી. તિહાર જેલ તંત્રએ મુલાકાત રદ કરવાનું હજુ સુધી કારણ નથી જણાવ્યું. જેલ નિયમના અનુસાર, એક અઠવાડિયામાં બે મુલાકાતની મંજુરી હોય છે. સુનીતા અત્યાર સુધીમાં તિહાર જેલમાં કેજરીવાલ સાથે 4-5 મુલાકાત કરી ચૂકી છે. પરંતુ જેલ નિયમ સૌ માટે લાગૂ છે, ભલે તે કોઈ સામાન્ય હોય કે ખાસ.
તિહાર જેલ તંત્રનું કહેવું છે કે, પહેલાથી ફિક્સ બે મીડિંગ થઈ ગયા બાદ સુનીતા કેજરીવાલને પોતાના પતિ અરવિંદ કેજરીવાલને મળવાની મંજુરી આપવામાં આવશે. એટલે કે તેઓ મંગળવાર બાદ તેમને મળી શકશે.