Karnataka Sex Scandal : કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ જેડીએસની સાથે ભાજપ પર પણ આક્રમક પ્રહાર કરી રહી છે, ત્યારે ભાજપ નેતા દેવરાજ ગૌડાનો ભાજપ પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રને લખેલો એક પત્ર વાયરલ થયો છે.
પૂર્વ PMના પરિવારના અનેક નેતાઓ સામે આરોપ
આ પત્રમાં દેવરાજ ગૌડાએ પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પરિવારના અનેક નેતાઓ સામે ગંભીર આરોપ મૂકતા લખ્યું છે કે, ‘મારી પાસે એક પેન ડ્રાઈવ છે, જેમાં મહિલાઓના યૌનશોષણના 2,976 વીડિયો છે. આ પૈકી અનેક મહિલાઓને બ્લેકમેલ કરાઈ રહી છે.’ નોંધનીય છે કે, આ ઘટનાના અહેવાલો પછી 28 એપ્રિલે જ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને જર્મની ભાગી ગયા હતા. તેઓ એચ.ડી. દેવગૌડાના પ્રપૌત્ર છે.
2976 અશ્લીલ વીડિયો થકી મહિલાઓનું બ્લેકમેલિંગ
કર્ણાટક ભાજપના નેતા દેવરાજ ગૌડાએ આઠમી ડિસેમ્બર 2024ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ બી. વાય. વિજયેન્દ્રને પત્ર લખીને આ વાતનો ખુલાસો કર્યો હતો. આ પત્રમાં તેમણે દાવો કર્યો છે કે, ‘મારી પાસે પ્રજ્વલ રેવન્ના સહિતના જેડીએસ નેતાઓ સંકળાયેલા હોય એવા લગભગ 3000 મહિલાઓના વાંધાજનક વીડિયો છે. રેવન્ના સહિતના નેતાઓ આ વીડિયોનો ઉપયોગ મહિલાઓને બ્લેકમેલ કરવા માટે કરતા હતા. આ કારણસર કર્ણાટકમાં બીજેપી-જેડીએસ ગઠબંધન આપણા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.’
પ્રજ્વલ રેવન્ના એચ.ડી. દેવ ગૌડાના પ્રપૌત્ર છે
કર્ણાટકમાં 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હાસન જિલ્લાની હોલેનારસિપુરા બેઠક પરથી દેવરાજ ગૌડાને ટિકિટ આપી હતી. જો કે ગૌડા અહીંથી જેડીએસ ઉમેદવાર એચ. ડી. રેવન્ના સામે હારી ગયા હતા. એચ.ડી. રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચ. ડી. દેવગૌડાના પુત્ર છે, જ્યારે પ્રજ્વલ રેવન્ના એચ. ડી. રેવન્નાના પુત્ર છે. સેક્સ સ્કેન્ડલ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પ્રજ્વલ રેવન્નાની સાથે તેમના પિતા એચ.ડી. રેવન્નાનું નામ પણ સામેલ છે.
દેવરાજને રેવન્નાની કરતૂતોની જાણ થઈ ગઈ હતી
વાત એમ હતી કે, દેવરાજ ગૌડા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એચ. ડી. રેવન્ના સામે હારી ગયા હતા, પરંતુ રેવન્નાના પુત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની કાળી કરતૂતોની તેમને જાણ થઈ ગઈ હતી. એ વખતે પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન બેઠક પરથી સાંસદ હતા. એ વખતે ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન પણ થઈ ગયું હતું. આ જ કારણસર દેવરાજે કર્ણાટક ભાજપના વડા બી.વાય. વિજયેન્દ્રને પત્ર લખીને ચેતવણી આપી હતી કે, ‘જો જેડીએસ સાથે ગઠબંધન કરીશું તો તેમના અશ્લીલ વીડિયોનો ઉપયોગ આપણી સામે બ્રહ્માસ્ત્ર તરીકે થશે.’
પેન ડ્રાઈવ કોંગ્રેસ હાઈ કમાન્ડ સુધી પહોંચ્યાનો પણ દાવો
દેવરાજ ગૌડાએ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પરિવારના અનેક નેતાઓ વિરુદ્ધ ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે, પ્રજ્વલ રેવન્ના સહિતના કેટલાક નેતાઓ સરકારી મહિલા અધિકારીઓનું પણ શોષણ કરતા. આ મહિલાઓને જાતીય પ્રવૃત્તિમાં ધકેલવા બ્લેકમેલ કરવા પણ આ તેમના વીડિયોનો ઉપયોગ થતો. આ વીડિયો અને તસવીરોવાળી વધુ એક પેનડ્રાઈવ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુધી પણ પહોંચી ગઈ છે.