– સેક્સ સ્કેન્ડલના કારણે જેડીએસ-ભાજપ માટે મુશ્કેલી વધી

– પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ સામે પક્ષમાં જ વિરોધ : રાજ્યની 14 બેઠકો પર 7 મેએ મતદાનમાં કોંગ્રેસને ફાયદાની શક્યતા

– સમગ્ર કર્ણાટકમાં કોંગ્રેસના દેખાવો : મારા પુત્રની રાજકીય કારકિર્દી ખતમ કરવા કાવતરૂ રચાયું: એચ.ડી. રેવન્ના

બેંગ્લુરુ : જેડીએસના સાંસદ પ્રજવલના સેક્સ કૌભાંડે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જયો છે. હાસંનના સાંસદ પ્રજવલના સેક્સ કૌભાંડના સ્વરુપમાં કોંગ્રેસના હાથમાં મોટું રાજકીય શસ્ત્ર આવી ગયું છે જ્યારે ભાજપ-જેડીએસની યુતિએ આ મુદ્દા પર બેકફૂટ પર જવાની ફરજ પડી છે.ં કર્ણાટકમાં હજી પણ ૧૭ બેઠકોની ચૂંટણી બાકી છે ત્યારે આ સેક્સ કૌભાંડ ભાજપની ૪૦૦ પારની મહત્વાકાંક્ષા પર લગામ લગાવી શકે છે. 

કર્ણાટકમાં કોંગ્રેસે પ્રજવલના સેક્સ કૌભાંડ સામે રણશિંગુ ફૂંકી દીધુ છે અને મેદાનમાં ઉતરીને તેની ધરપકડની માંગ કરી છે. કોંગ્રેસે સોમવારે સમગ્ર કર્ણાટકમાં પ્રજવલ સામે પ્રદર્શનો યોજ્યા હતા અને તેની ધરપકડની માંગ કરી હતી. પ્રજવલના સેક્સ કૌભાંડમાં અસંખ્ય મહિલાઓનું જાતીય શોષણ થયું હોવાનું મનાય છે. 

કોંગ્રેસના કાર્યકરોએ હુબલી, હાસન, મૈસૂર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ પ્રદર્શનો યોજ્યા હતા અને રેલી કાઢી હતા તથા ભૂતપૂર્વ વડાપ્રધાનના પૌત્રની ધરપકડની માંગ કરી હતી. આ પ્રદર્શનો અને રેલીની ખાસિયત એ હતી કે તેમાં મોટાપાયા પર મહિલાઓ જોડાઈ હતી. 

ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ અલ્કા લાંબાએ જણાવ્યું હતું કે અસંખ્ય મહિલાઓના જાતીય શોષણના આ કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. જાતીય રીતે સતામણીનો ભોગ બનેલી મહિલાઓના ત્રણ હજારથી વધુ વિડીયોએ કન્નડીગાઓને અને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કોંગ્રેસની સરકારે આ મુદ્દે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની રચના કરી છે.

પ્રજવલ એનડીએનો હાસન ખાતેનો ઉમેદવાર છે અને ત્યાં ૨૬મી એપ્રિલના રોજ મતદાન થઈ ચૂક્યું છે. પણ મતદાન થયા પછી જાતીય શોષણના કૌભાંડમાં સંડોવણીનો તેનો વિડીયો જાહેરમાં આવ્યા પછી તે વિદેશ ભાગી ગયો હોવાનું કહેવાય છે. ત્રણ સભ્યોની સિટના વડા તરીકે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સીઆઇડી) બિજયકુમારસિંઘ હશે. જ્યારે બીજા બે સભ્યોમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુમન ડી પેનેક્કર અને મૈસૂરના પોલીસ સુપરિટેન્ડેન્ટ સીમા લાટકર છે. 

આ અંગે જેડી(એસ)ના નેતા કુમારસ્વામીએ જણાવ્યું હતું કે સેક્સ કૌભાંડને લઈને પક્ષે પ્રજ્જવલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પ્રજ્જવલ કુમારસ્વામીનો ભત્રીજો થાય છે. આ ઉપરાંત તે ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દૈવગૌડાના મોટા પુત્ર એચ.ડી. રેવન્નાનો પુત્ર થાય છે. એચ.ડી. રેવન્ના પોતે પણ વિધાનસભ્ય અને પ્રધાન રહી ચૂક્યા છે. 

કુમારસ્વામીએ જણાવ્યું હતું કે સિટ દ્વારા પ્રજવલ સામે સેક્સ કૌભાંડના આરોપોની તપાસ કરવા ઉપરાંત આત્યંતિક વિડીયો ક્લિપ દર્શાવતી પેન ડ્રાઇવ ક્યાં બનાવવામાં આવી અને આટલા મોટાપાયા પર કેવી રીતે ફેલાવાઈ તેની તપાસ કરવામાં આવે તે જરુરી છે.  જો પ્રજ્જવલ સામેના આરોપો સાચા હોય તો કાયદા મુજબ સજા થવી જોઈએ. 

આ મુદ્દે ભાજપ અને પીએમને ઢસેડવા સામે કુમાર સ્વામીએ જણાવ્યું હતું કે શું મોદી પ્રજ્જવલના પ્રચાર માટે આવ્યા હતા અને ભાજપને આ મુદ્દા સાથે શું લાગે વળગે, કશું જ નહી. આ ફક્ત અમારા પક્ષનો મામલો છે. તેમણે તેમના પિતા દેવગૌડાનું નામ પણ આ કેસમાં ખેંચવા સામે કોંગ્રેસને ચેતવણી આપી હતી. તેમનું કહેવું હતું કે આ વિવાદમાં આખા કુટુંબને ઢસેડવું ન જોઈએ. 

આ ઉપરાંત પ્રજ્જવલના પિતા અને વિધાનસભ્ય એચ ડી રેવનનાએ જણાવ્યું હતું કે મારા પુત્ર અને હાસનના સાંસત પ્રજ્જવલ સામે જાતીય દુરાચારના આરોપો રાજકારણથી પ્રેરિત છે. પ્રજ્વલ તેની સામેના આરોપો અંગે તપાસમાં સહકાર આપવા અને આરોપો સાબિત થાય તો કાયદા મુજબની કોઈપણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌવડાએ જણાવ્યું હતું કે તેમનો પૌત્ર પ્રજ્વલ તપાસમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હાસનમાં સાંસદ પ્રજવલે અનેક મહિલાઓનું જાતીય શોષણ કર્યુ હોવાની વિડીયો ક્લિપ ફરતી થઈ છે. 

પ્રજવલને ભાગી જવામાં ભાજપે મદદ કરી : કોંગ્રેસનો આરોપ

કર્ણાટકમાં હાસન ખાતે જેડી (એસ)ના સાંસદ પ્રજવલ રેવન્નાએ અનેક મહિલાઓનું  જાતીય શોષણ કર્યાના વિડીયા ફેલાયા પછી તેની સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. તેની વિડીયો ક્લિપ ૨૬મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થયાના દિવસ પછી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. જેડીએસના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌવડાના પુત્ર પ્રજવલ રેવન્નાએ તેની સામેના આરોપો ફગાવી દીધા છે અને ફરિયાદ ફાઇલ કરી છે કે તેના પર આરોપ મૂકતા ફેલાયેલા વિડીયો ડોક્ટર્ડ છે. સમગ્ર ઘટનાનો પર્દાફાશ મહિલાએ પ્રજવલ રેવન્નાએ તેના પર જાતીય હુમલો કર્યાનો કેસ નોંધાવ્યા પછી થયો છે. તેનો દાવો હતો કે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજવલે અનેક વખત તેનું જાતીય શોષણ કર્યુ હતું. આ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રજવલે તેની પુત્રી સાથે પણ ફોન કોલમાં અયોગ્ય વ્યવહાર કર્યો હતો. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફક્ત પ્રજવલ જ નહી તેના પિતા એચ ડી રેવનન્નાએ પણ તેના પર જાતીય દુરાચાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેને કુટુંબના બીજા સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી મોંઢુ બંધ રાખવા કહેવાયું હતું. કોંગ્રેસે આ મુદ્દે પ્રજવલને સમર્થન આપવા બદલ ભાજપની ઝાટકણી કાઢી છે અને તેને વિદેશ ભાગી જવામાં મદદ કરી હોવાનો આરોપ મૂક્યો છે. 

ભાજપના નેતા દેવરાજે બળતામાં ઘી હોમ્યું

પ્રજ્વલ સેક્સ સ્કેન્ડલ: 2,976  વિડીયોવાળી પેન ડ્રાઇવ મળી

– વિડીયોમાં સામેલ મહિલાઓમાં સરકારી અધિકારીઓનો પણ સમાવેશ 

કર્ણાટકમાં સેક્સ કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. ભાજપના એક નેતાએ દાવો કર્યો છે કે તેમને અશ્લીલ વિડીયોથી ભરેલી પેનડ્રાઇવ પહેલા મળી હતી. તેના અંગે પ્રદેશ ભાજપ પ્રમુખને સૂચના આપવામાં આવી હતી. 

હવે આ વિવાદમાં ખાસ વાત એ છે કે તેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌવડાનું નામ આવી રહ્યું છે. ૨૦૨૩માં હોલનરસીપુરામાં ભાજપના ઉમેદવાર રહેલા દેવરાજ ગૌડાએ પ્રદેશ પ્રમુખ  બીવાઈ વિજયેન્દ્રને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે જેડીએસના એનડીએના ઉમેદવાર પ્રજવલ રેવન્ના સહિત એચડી દાૌવગોવડા કુટુંબના કેટલાક સભ્યો સામે ગંભીર આરોપો લાગ્યા છે.

દેવરાજે જણાવ્યું હતું કે આ પેનડ્રાઇવમાં કુલ ૨,૯૭૬ વિડીયો છે. તેમા નજર આવતી કેટલીક મહિલાઓ તો સરકારી અધિકારી છે. તે સમયે આ વિડીયોનો ઉપયોગ આ પ્રકારની પ્રવૃત્તિ જારી રાખવા માટે બ્લેકમેલ કરવા કરવામાં આવતો હતો. ભાજપના નેતાએ દાવો કર્યો કે એકબાજુએ પેનડ્રાઇવમાં આવા જ વિડીયો અને ફોટો છે. આમ તેણે જણાવ્યું હતું કે આ જ પ્રકારની અન્ય પેન ડ્રાઇવ પણ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *