– સુરતમાં પણ દુકાન ધરાવતા મલાડના વેપારી મેહુલ જાગાણીએ દલાલ મારફત કુર્તીનું કાપડ ખરીદયું હતું
– તબક્કાવાર વેપારીઓ સાથે ઠગાઈ બહાર આવી
સુરત, : સુરતના બેગમપુરા રાધાક્રિષ્ના માર્કેટના વેપારી અને અન્ય 13 વેપારી પાસેથી સુરતમાં પણ દુકાન ધરાવતા મુંબઈ મલાડના વેપારીએ દલાલ મારફતે રૂ.69 લાખનું કુર્તીનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરતા સલાબતપુરા પોલીસે અરજીના આધારે મુંબઈના વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર ઉમા ભવન પાસે નિષ્ઠા આશિષ એપાર્ટમેન્ટ ઘર નં.903 માં રહેતા 40 વર્ષીય જીતેન્દ્રભાઈ મુલચંદભાઈ શેઠીયા બેગમપુરા રાધાક્રિષ્ના માર્કેટમાં ક્રોઝી પ્લસના નામે કુર્તીના કાપડનો વેપાર કરે છે.જુલાઈ 2022 માં દલાલ મેહુલભાઈ મહેશ્વરી તેમની દુકાને આવ્યા હતા અને મુંબઈની તેમની પાર્ટી આશા એન્ટરપ્રાઈઝના મેહુલભાઈ પ્રવીણભાઇ જાગાણીની સાથે તમે વેપાર કરશો તો તે સમયસર તમને પેમેન્ટ કરશે તેમ કહી થોડા દિવસ બાદ મેહુલભાઈ જાગાણીને લઈ તેમની દુકાને આવ્યા હતા.મુંબઈ જુના હનુમાન લેન પાસે લક્ષ્મીભવનમાં વેપાર કરતા અને મલાડ વેસ્ટ એક્ષટેન્ટ રોડ રામચંદ્ર લેન નીયો કોર્પોરેટ પ્લાઝા કો.ઓ.પ્રીમાઇસીસ સોસાયટી ખાતે રહેતા મેહુલભાઈ જાગાણીએ પોતે સુરતમાં સબજેલની પાછળ ખટોદરા જીઆઈડીસી નરેન્દ્ર મિલની પાસે કડીવાલા હાઉસમાં પણ દુકાન ધરાવતા હોવાનું જણાવ્યું હતું.
જીતેન્દ્રભાઈએ તેની સાથે વેપાર શરૂ કરી 5 ઑગષ્ટથી 29 સપ્ટેમ્બર 2022 દરમિયાન તેમને કુલ રૂ.34,69,852 નું કાપડ મોકલ્યું હતું.તે પૈકી મેહુલભાઈ જાગાણીએ રૂ.10,46,916 નું પેમેન્ટ કરી બાકી પેમેન્ટ રૂ.24,22,936 માટે વાયદા કર્યા હતા.ત્યાર બાદ 4 ઓક્ટોબરના રોજ તેમણે રૂ.5 લાખનો ચેક પેમેન્ટ પેટે આપ્યો હતો.પણ તે રિટર્ન થયો હતો.બાદમાં તેમણે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને સુરતની દુકાન પણ બંધ કરી દીધી હતી.દલાલ મેહુલભાઈ મુંબઈ તેમની દુકાને જઈ પેમેન્ટની વાત કરતા તો તે સંતોષકારક જવાબ પણ આપતા નહોતા.જીતેન્દ્રભાઈએ માર્કેટમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે મેહુલભાઈ જાગાણીએ સુરતના અન્ય 13 વેપારી પાસેથી પણ રૂ.44,76,021 નું કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નથી.કુલ રૂ.68,98,957 નું પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરનાર વેપારી મેહુલભાઈ જાગાણી વિરુદ્ધ જીતેન્દ્રભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.